દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો આવી ગયા અને તેમાં ભાજપને ઝળહળતી સફળતા મળી છે. હવે ભાજપ અને કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવા માંડી છે. આગામી વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી થશે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું આ વખતે પણ ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને ક્લિન સ્વીપ કરતા રોકી શકશે ખરા? આ અંગે ટાઈમ્સ નાઉ ઈટીજી રિસર્ચ સર્વે દ્વારા એક સર્વે થયો છે જેમાં કોને કેટલી સીટો અને મત મળી શકે છે તે અંગે અનુમાન વ્યક્ત કરાયું છે. ભાજપના નેતૃત્વવાળા NDA અને કોંગ્રેસના નેતૃત્વવાળા INDIA અલાયન્સન અંગે સર્વે થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ગત લોકસભા ચૂંટણી 2019માં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો કબજે કરી હતી. તે પહેલા પણ 2014માં ભાજપે ક્લિન સ્વીપ કરતા 26 બેઠકો મેળવી હતી. ત્યારે આ વખતે પણ ભાજપનું લક્ષ્ય તમામ બેઠકો મેળવવાનું છે. 


સર્વેમાં કોને કેટલી બેઠકો
જો દેશમાં હાલ ચૂંટણી થાય તો કોને કેટલી બેઠકો જાય તે અંગેનું અનુમાન આ સર્વેમાં વ્યક્ત કરાયું છે. તમને જણાવી દઈએ કે સર્વેના જે તારણો સામે આવ્યા છે તે મુજબ આ વખતે ફરીથી ભાજપ ગુજરાતમાં ક્લિન સ્વીપ કરી શકે છે. કોંગ્રેસના નેતૃત્વવાળા INDIA અલાયન્સનું રાજ્યમાં ખાતું પણ નહીં ખુલે તેવું સર્વેના તારણો  કહે છે. INDIA અલાયન્સ સાથે અન્યને પણ આ સર્વેમાં ઝીરો સીટ  દર્શાવાઈ છે. સર્વેમાં વોટશેરનું પણ અનુમાન કરાયું છે. 


સર્વેમાં કહેવાયું છે કે પીએમ મોદીના ગૃહ રાજ્યમાં પાર્ટી લોકસભા ચૂંટણીમાં 60 ટકા મત મેળવી શકે છે. જ્યારે INDIA અલાયન્સના ફાળે 37 ટકા મત જઈ શકે છે. 3 ટકા મત અન્યના ફાળે જઈ શકે છે. 2019માં ભાજપને રાજ્યમાં 62.21 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 32.11 ટકા મત મળ્યા હતા. ગત વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં મોટી જીત મળી હતી. ભાજપને 182 બેઠકોમાંથી 156 બેઠકો મળી હતી. કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ ગુમાવવાનો વારો આવ્યો હતો. પાર્ટીને ફક્ત 17 બેઠકો મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો અને 3 પર અપક્ષો વિજયી થયા હતા. સમાજવાદી પાર્ટીને પણ રાજ્યમાં એક સીટ મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube