NDA સરકાર: ગુજરાતમાંથી કોણ થશે IN, કોણ થશે OUT? આ નેતાઓના તો નસીબ ખરાબ
Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે, આ પરિણામથી વિપક્ષમાં આનંદ છવાયો છે, હા તેમને સત્તા નથી મળી, પરંતુ તેમનો હરખ સમાતો નથી. તેમના હરખનું કારણ ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી તે છે. આ બધા વચ્ચે ગુજરાતની નજર ગુજરાતમાંથી કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેના પર છે.
Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામ પછી સાબિત થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. જો કે આ વખતે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી. એટલે કે NDA સરકાર રચાઈ છે, જેના કારણે પ્રેસર પોલિટિક્સનો પણ સામનો કરવો પડી શકે છે. ગુજરાતમાં ભાજપની 26માંથી 25 બેઠક આવી છે, ત્યારે હવે ગુજરાતમાંથી કયા સાંસદ કેન્દ્રમાં મંત્રી બનશે?, ગત ટર્મમાં તો 7 મંત્રી હતા પરંતુ આ વખતે પણ 7 મંત્રીપદ ગુજરાતને મળશે? જુઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતીઓના સ્થાનનો આ અહેવાલ.
- કેન્દ્રમાં 'ફીર એકબાર NDA સરકાર'
- 9 જૂને શપથગ્રહણ કરી શકે છે મોદી
- સાથી પક્ષોએ માગ્યા અનેક મંત્રાલય
- ગુજરાતને કેટલા મળશે મંત્રીઓ?
- કોને મળી શકે છે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન?
લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે, આ પરિણામથી વિપક્ષમાં આનંદ છવાયો છે, હા તેમને સત્તા નથી મળી, પરંતુ તેમનો હરખ સમાતો નથી. તેમના હરખનું કારણ ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી તે છે. આ બધા વચ્ચે ગુજરાતની નજર ગુજરાતમાંથી કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેના પર છે. કારણ કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં તો ગુજરાતમાંથી કુલ 7 મંત્રીઓ હતા, પરંતુ હવે આ સંખ્યા જળવાયેલી રહેશે તે એક સવાલ છે. કારણ કે ગઠબંધન સરકારમાં સાથી પક્ષોને પણ મંત્રીમંડળમાં સમાવવાના છે. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે કદાચ ગુજરાતમાંથી મંત્રીઓની સંખ્યા 4થી 5 હોઈ શકે છે.
ગુજરાતમાંથી અનેક નામ મંત્રીમંડળની રેસમાં છે, જેમાં અમિત શાહ, સી.આર.પાટીલ, પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, એસ.જયશંકર, જે.પી.નડ્ડા સહિતનો સમાવેશ થાય છે. નડ્ડા અને જયશંકર રાજ્યસભામાંથી સાંસદ છે. તો એવી પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શનને કારણે સંગઠનને ફરી મજબૂત બનાવવાની જવાબદારી ચૂંટણીના ચાણક્ય અમિત શાહને મળી શકે છે.
અમિત શાહ ફરી ભાજપના અધ્યક્ષ બની શકે છે. શાહ સંગઠનના મહારથી છે, તેમની રણનીતિમાં ભાજપે અનેક માઈલસ્ટોન સર કર્યા છે.. તો વધુ એક નામ સી.આર.પાટીલનું પણ સામે આવી રહ્યું છે. ગુજરાતમાં સંગઠનનું સફળ નેતૃત્વ કરનારા પાટીલને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય છે. જો કે આ બધી હાલ માત્ર ચર્ચાઓ છે.
ગુજરાતમાંથી કોણ બની શકે છે મંત્રી?
- અમિત શાહ
- સી.આર.પાટીલ
- પરશોત્તમ રૂપાલા
- મનસુખ માંડવિયા
- એસ.જયશંકર
- જે.પી.નડ્ડા
રાજ્યસભાના સાંસદ એસ.જયશંકર ફરી એકવાર વિદેશ મંત્રી બને તે નક્કી માનવામાં આવી રહ્યું છે. તેમણે મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવી જાણી છે, તો નડ્ડાને આ વખતે સંગઠનમાંથી સરકારમાં સ્થાન મળી શકે છે. નડ્ડા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય મંત્રી રહી ચુક્યા છે. છતાં પણ બીજી વખત મંત્રી બને તો નવાઈ નહીં...તો પોરબંદરથી જીતેલા મનસુખ માંડવિયા ફરી એકવાર મંત્રી બની શકે છે. જોકે તેમનું મંત્રાલય બદલાઈ શકે છે. તો રાજકોટથી જીતેલા પરશોત્તમ રૂપાલા પણ ફરી મંત્રી બની શકે છે. જો કે ચર્ચાઓ એ પણ છે કે રૂપાલાનું મંત્રીપદ ક્ષત્રિય આંદોલનને કારણે જઈ પણ શકે છે. ગુજરાતથી ભાજપ કડવા અને લેઉવા પાટીદારનું સમીકરણ સાધવા લેઉવા તરીકે માંડવિયા અને કડવા તરીકે રૂપાલા અથવા અન્ય કડવા પાટીદારને સ્થાન આપી શકે છે.
ગુજરાતમાંથી કોણ બની શકે છે મંત્રી?
- મનસુખ માંડવિયા
- પરશોત્તમ રૂપાલા
તો ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ સતત ત્રીજી વખત જીત્યા છે, ગત ટર્મમાં તેઓ મંત્રી હતા, પરંતુ આ વખતે તેમની બાદબાદી થાય અને અન્ય કોઈ OBC ચહેરાને સ્થાન મળે તો નવાઈ નહીં.આ વખતે કદાચ પૂનમ માડમ અને કચ્છની SC અનામત બેઠક પરથી જીતેલા વિનોદ ચાવડાને લોટરી લાગી શકે છે. તો નવી સરકારમાં ગુજરાતમાંથી એક આદિવાસી ચહેરો હશે તે પણ નક્કી માનવામાં આવી રહ્યું છે. મનસુખ વસાવા અને જશવંતસિંહ ભાભોર અગાઉ મંત્રી રહી ચુક્યા છે, જેના કારણે આ વખતે જશુ રાઠવા કે પછી પ્રભુ વસાવાને સ્થાન મળી શકે છે.
કોણ થશે IN, કોણ થશે OUT?
- ગત ટર્મમાં મંત્રી બનેલા દેવુસિંહ ચૌહાણની થઈ શકે છે બાદબાકી
- દેવુસિંહના સ્થાને અન્ય કોઈ OBC ચહેરાને સ્થાન મળી શકે છે
- પૂનમ માડમ અને વિનોદ ચાવડાને લોટરી લાગી શકે છે
- જશુ રાઠવા કે પછી પ્રભુ વસાવાને સ્થાન મળી શકે છે
2014માં જ્યારે મોદી સરકાર પહેલી વખત આવી ત્યારે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા મંત્રી બન્યા હતા. તો લોકસભાના સાંસદ મોહન કુંડારિયા, જશવંતસિંહ ભાભોર, હરિભાઈ ચૌધરી અને મનસુખ વસાવા મંત્રી બન્યા હતા તો 2019માં મોદી સરકારના બીજા કાર્યકાળમાં ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ એસ.જયશંકર, મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા મંત્રી બન્યા હતા. તો લોકસભાના સાંસદ અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરા મંત્રી બન્યા હતા...
2014માં ગુજરાતમાં કોણ હતું મંત્રી?
- અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા
- મોહન કુંડારિયા, જશવંતસિંહ ભાભોર, હરિભાઈ ચૌધરી, મનસુખ વસાવા
2019માં ગુજરાતમાં કોણ હતું મંત્રી?
- એસ.જયશંકર, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા
- અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા
.હવે આ વખતે કોણ મંત્રી બનશે તેના પર સૌ કોઈની નજર છે. નવી સરકારમાં એવા ચહેરાઓને સ્થાન મળશે જેઓ પોતાના વિભાગની કામગીરી ઉત્તમ રીતે કરી શકે, અધિકારીઓને કંટ્રોલમાં રાખી શકે અને જમીન સાથે જોડાયેલા હોય...જોવાનું રહેશે કે ગુજરાતમાંથી કોને લોટરી લાગે છે?.