લોકસભા ચૂંટણી 2019: ભાજપની 15મી યાદીમાં મહેસાણા, સુરતના ઉમેદવાર જાહેર
મહેસાણા બેઠક પરથી શારદાબેન પટેલ અને સુરતની બેઠક પરથી દર્શનાબેન જરદોશને આગામી લોકસભા ચૂંટણી માટેની ટિકિટ આપવામાં આવી છે
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2019 માટે મંગળવારે મોડી રાત્રે મહેસાણા અને સુરતની બેઠકના ઉમેદવારના નામ જાહેર કરાયા હતા. આ બંને બેઠક પર મહિલાઓને ઉમેદવાર બનાવાઈ છે. મહેસાણા બેઠક પરથી શારદાબેન પટેલ અને સુરત બેઠક પરથી દર્શનાબેન જરદોશને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ તરફથી હજુ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવારની જાહેરાત બાકી છે. ભાજપે ગુજરાતની 26માંથી 25 બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
મહેસાણા લોકસભા સીટ પર 2014માં જયશ્રીબેન પટેલ સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ રીતે મહેસાણા બેઠક પરથી ભાજપે સીટીંગ સાંસદનું પત્તું કાપ્યું છે. મહેસાણા લોકસાભા સીટ માટે જાહેર કરાયેલા શારદાબેન પટેલ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલભાઈ પટેલના પત્ની છે. શારદાબેન પટેલ નાના 12 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. શારદાબેન પટેલને જીતાડવાની જવાબદારી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને સોંપવામાં આવી છે.
મહેસાણા બેઠક પર શારદાબેનની ટક્કર કોંગ્રેસના એ.જે. પટેલ સાથે થશે. કોંગ્રેસ દ્વારા સોમવારે મોડી રાત્રે મહેસાણા બેઠક પીઢ અને અનુભવી એવા એ.જે. પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
મેદાનમાં મહારથી: લોકસભા ચૂંટણીને લઇ રાજ્યમાં કઇ બેઠક પર કોની વચ્ચે ટક્કર
સુરતની બેઠક પરથી ભાજપ દ્વારા સાંસદને રીપીટ કરવામાં આવ્યા છે. 2014માં પણ સુરતની બેઠક પર દર્શનાબેન જરદોશ ચૂંટાઈને આવ્યા હતા. પાર્ટીએ તેમનામાં વિશ્વાસ મુકીને આ વખતે ફરીથી ટિકિટ આપી છે. સુરતની બેઠક માટે કોંગ્રેસ દ્વારા હજુ કોઈ ઉમેદવાર જાહેર કરાયા નથી.
અમિત શાહ વિરૂદ્ધ આચાર સંહિતા ભંગને લઇને કોંગ્રેસે લખ્યો ચૂંટણી પંચને પત્ર
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે અને 23 એપ્રિલના રોજ રાજ્યમાં ત્રીજા તબક્કામાં તમામ 26 બેઠક પર મતદાન યોજાવાનું છે. કોંગ્રેસ દ્વારા હજુ પણ કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.