વેબ ડેસ્ક/ અમદાવાદઃ મહેસાણાની બેઠક પહેલાથી જ ભાજપનો ગઢ ગણાય છે. અગાઉ જ્યારે ભાજપને માત્ર રાજ્યમાં માત્ર બે બેઠક મળતી હતી તેમાં એક મહેસાણાની હતી અને એ.કે. પટેલ અહીંથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. ભાજપનો ગઢ ગણાતી મહેસાણા બેઠકમાં આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે, જ્યારે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે, વળી પાટીદાર બહુમતી હોવાને આ બેઠકનું મહત્વ ઘણું વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના એ.કે. પટેલનો મહેસાણા લોકસભા બેઠક પર સૌથી વધુ 5 વખત ચૂંટાવાનો રેકોર્ડ છે. તેઓ 1984થી 1998 સુધી આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે. ત્યાર બાદ 1999માં કોંગ્રેસે આ બેઠક ઝુંટવી લીધી હતી અને આત્મારામ પટેલ ચૂંટાયા હતા. 2002ની પેટાચૂંટણીમાં ભાજપ આ બેઠક જીતવામાં સફળ રહી, પરંતુ 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના જીવાભાઈ પટેલે આ બેઠક જીતીને ભાજપને પછડાટ આપી હતી. જોકે ત્યાર બાદ 2009 અને 2014માં વર્તમાન સાંસદ ભાજપના જયશ્રીબેન પટેલ સતત બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે. 


જયશ્રીબેનનું લોકસભા કામકાજ
જયશ્રીબેને 16મી લોકસભામાં 111 દિવસ ચર્ચામાં ભાગ લીધો છે. તેમણે રજૂ કરેલા 10 ખાનગી બિલ પાસ થયા છે. લોકસભામાં જયશ્રીબેને 355 પ્રશ્નો પુછ્યા છે અને તેઓ એક એક્ટીવ મેમ્બર રહ્યા છે. પોતાના વિસ્તારમાં વિકાસકાર્યોમાં પણ તેમણે એટલો જ ફાળો આપ્યો છે અને એટલા માટે જ પ્રજામાં લોકપ્રિય પણ છે. 


લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતની 26 બેઠકો, કોણ મારશે બાજી?


ભાજપ કોંગ્રેસ માટે કપરા ચઢાણ
પાટીદાર અનામત આંદોલન પહેલાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં જ્યાં પથ્થર ફેંકો ત્યાં કમળ ખીલે એવી સ્થિતિ હતી. જોકે અનામતની આગનું વાવાઝોડું ફૂંકાતાં પરિસ્થિતિ બદલાઇ છે. ગત વિધાનસભાની વાત કરીએ તો જિલ્લાની સાત પૈકી ઊંઝા અને બેચરાજી બે બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો હાથ મક્કમ છે. જોકે હાલમાં કોંગ્રેસ છાવણીમાં ફૂંકાઇ રહેલો પરિવર્તનના પવનથી કોંગ્રેસના હાથની પકડ ઢીલી પડી રહી છે. આ સંજોગોમાં આગામી ચૂંટણી ભાજપ કોંગ્રેસ બંને માટે પરસેવો પડાવનારૂ માનવામાં આવી રહ્યું છે. 


મહેસાણા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક
મહેસાણાની લોકસભા બેઠકમાં ઘણો મોટો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. મહેસાણાની લોકસભા બેઠકમાં ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી (એસસી), મહેસાણા, વિજાપુર અને માણસા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. મહેસાણામાં એશિયાની બીજી સૌથી મોટી ડેરી દૂધસાગર આવેલી છે. આ વિસ્તારના લોકોમાં દૂધ ઉત્પાદન મોટો વ્યવસાય છે. આ ઉપરાંત અહીં ઓએનજીસી પણ મોટા પ્રમાણમાં ખનીજ તેલનું ઉત્પાદન કરે છે. 


લોકસભા ચૂંટણી 2019: 1989થી ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગર બેઠકનું ચિત્ર 


મહેસાણાની કુલ વસતી
મહેસાણા શહેરની કુલ વસતી 2011ની ગણતરી મુજબ 20 લાખની છે. ચૂંટણી પંચના 2009ના રેકોર્ડ મુજબ અહીં કુલ 13,93,970 મતદારો નોંધાયેલા છે. જેમાં 7,04,706 પુરુષ અને 6,89,264 મહિલા મતદારો છે. સમગ્ર મહેસાણા જિલ્લો લોકસભા બેઠકમાં સમાવિષ્ટ છે. 


બદલાયું ચિત્ર
મહેસાણાની લોકસભા બેઠક પર છેલ્લા કેટલાક વર્ષમાં ચિત્ર થોડું બદલાયું છે. મહેસાણામાંથી જ પાટીદાર અનામત આંદોલનનો ઉદય થયો હતો. આ બેઠક પર પાટીદાર મતદારોનું ઘણું જ પ્રભુત્વ છે અને હાલ પાટીદાર મતદારો ભાજપ સરકારથી નારાજ ચાલી રહ્યા છે. આ ઉપરાંત, તાજેતરમાં જ ઊંઝા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આશાબેન પટેલે પોતાના પદ અને પાર્ટી બંનેમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઘટનાક્રમને જોતાં છેલ્લી બે ટર્મથી ચૂંટાતા રહેલા જયશ્રીબેનના આ ટર્મમાં રિપીટ થવા અંગે પક્ષના અંદર ચર્ચાઓ થવા લાગી છે. પાર્ટીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, જયશ્રીબેનને રિપીટ કરવાને બદલે પાર્ટી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આશાબેન પટેલને ટિકિટ આપશે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...