ભરત બોઘરા નહીં તો કોણ? શા માટે નીચી નજરે કર્યા ખુલાસા, આગ વિના કેમ ઉઠ્યો ધૂમાડો?
Loksabha Election 2024: ભરત બોઘરા પાસે કોઈએ ખુલાસા કરાવ્યા હોવાની પણ ચર્ચાઓ છે. ભરત બોઘરા એ સીઆર પાટીલના ખાસ અંગત નેતા છે. ભાજપની ઓપરેશન લોટસ કમિટીના ચેરમેન હોવાને નાતે તેમણે લોકસભા પહેલાં ઘણા ઓપરેશન પાર પાડ્યા હતા.
Gujarat Politics: દિલ કે અરમાં આંસુઓમાં બહે ગયે.. આ એક ફિલ્મના ગીતની લાઈન છે... ગઈકાલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષે રૂપાલા પ્રકરણમાં પોતાની જાતને ક્લિનચીટ આપી જેમાં તેઓની નજર મિલાવવાની હિંમત નહોતી... હ્દય ભરાયેલું હતું અને ફક્ત અવાજ નીકળતો હતો. બોઘરાના લાંબા લચક ખુલાસા બાદ હવે સવાલો એ છે કે પાર્ટી કાર્યાલયને બદલે એકાએક બોધરાએ ખાનગી જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેમ ખુલાસા કરવા પડ્યા છે. બોઘરાનો અવાજ તેમનો સાથ આપી રહ્યો નહોતો...
ભરત બોઘરા પાસે કોઈએ ખુલાસા કરાવ્યા હોવાની પણ ચર્ચાઓ છે. ભરત બોઘરા એ સીઆર પાટીલના ખાસ અંગત નેતા છે. ભાજપની ઓપરેશન લોટસ કમિટીના ચેરમેન હોવાને નાતે તેમણે લોકસભા પહેલાં ઘણા ઓપરેશન પાર પાડ્યા હતા. જેઓને આશા હતી કે રાજકોટ કે અમરેલી બેઠક પરથી ભાજપ આ લોકસભામાં તો ટિકિટ આપશે એ પાર્ટીનો પડ્યો બોલ ઝિલવાની સાથે છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી છેડા ધરાવતા હતા. જોકે, તેમને 2માંથી એક પણ જગ્યાએ ટિકિટ મળી નથી. રૂપાલા અને ક્ષત્રિય વિવાદમાં શરૂઆતના તબક્કામાં ભાજપની એક અસંતુષ્ટ લાંબીએ આગ ભડકાવી હોવાની ચર્ચાઓ વચ્ચે બોઘરાનું નામ વારંવાર ઉછળતાં તેઓએ ખુલાસા કરવા પડ્યા છે.
4થી 5 નેતાઓની ભૂંડી ભૂમિકા હોવાના રિપોર્ટઃ
ખુદ રૂપાલાએ પણ આ મામલે ભાજપના કેટલાક નેતાઓ પડદા પાછળ ખેલ કરતા હોવાની આશંકા સેવી હતી. આ મામલે દિલ્હી હાઈકમાન્ડ સુધી રિપોર્ટ થયા હોવાના પણ અહેવાલો છે. સમગ્ર પ્રકરણમાં એક ભૂતપૂર્વ સીએમની લાંબીને બદનામ કરવાનું ષડયંત્ર હોવાની ચર્ચા વચ્ચે હવે ભરત બોધરાના ખુલાસાથી નવા સવાલો એ પણ છે કે શું ખરેખર આ પાછળ બોઘરા સહિતના નેતાઓ હતા?, આ પ્રકરણમાં 4થી 5 નેતાઓની ભૂંડી ભૂમિકા હોવાના રિપોર્ટ દિલ્હી પહોંચ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જોકે, આ મામલે સૌએ ચૂપકીદી સેવી લીધી છે. હવે રૂપાલાનો વિવાદ બીજી બેઠકો પર પણ અસર કરી રહ્યો હોવાથી ભાજપ પણ ભડક્યું છે. આ પ્રકરણમાં કોઈકની કારકીર્દી ખરાબ થાય એ પહેલાં સૌએ હવે રૂપાલાને સાથ આપવાનો શરૂ કરી દીધો છે. સૌ કોઈ જાણે છે કે હવે આ મામલો દિલ્હી હાઈકમાન્ડ જોઈ રહ્યું છે કારણ કે રૂપાલા પ્રકરણ નહીં ઉકલ્યું તો ભાજપને દેશભરમાં ભારે નુક્સાન થવાની ભીતિ છે જેનો પાણીનો રેલો રાજકોટથી નીકળ્યો હોવાની ચર્ચા છે.
મીડિયા અહેવાલોમાં ભરત બોઘરાનું નામ ચર્ચાવા લાગતાં આખરે એમને કોન્ફરન્સ બોલાવી ખુલાસા કર્યા છે. જોકે, એમની બોડી લેગ્વેજ એમનો સાથ આપી રહી ન હતી. ગુજરાતના રાજકારણમાં સૌ કોઈ જાણે છે કે એક મોટા ગજાના નેતાને દિલ્હીમાં કેબિનેટ મિનિસ્ટર બનવું છે. જે માટે છેલ્લા ઘણા સમયથી ધમપછાડા કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં જબરદસ્ત જીત તેમનું મંત્રીપદ પાક્કું કરી શકે એમ છે.
કેટલાક મોટા માથા વધેરાય તેવી પૂરી સંભાવનાઃ
રૂપાલા વિવાદમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. સૌરાષ્ટ્ર ભાજપના એવા નેતાઓ રૂપાલા વિવાદમાં સંડોવાયેલા છે જે હાલમાં કોઈ હોદ્દો ધરાવતા નથી. આ વિવાદમાં રૂપાલા સાથે વર્ષો જૂની અદાવત ધરાવનારા નેતાઓની સંડોવણી સામે આવી છે. 4-5 નેતાઓ દ્વારા સૌરાષ્ટ્રમાં રૂપાલાના વધતા કદને ધ્યાનમાં રાખી જૂની અદાવતમાં આ વિવાદ સર્જયો છે. ભાજપ તરફથી સમગ્ર વિવાદની તપાસ પણ કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્ર ભાજપના કેટલાક નેતાઓને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
પાર્ટી કરી શકે છે કડક કાર્યવાહીઃ
ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી આ નેતાઓ સામે શિષ્ટાત્મક કાર્યવાહી કરી શકે છે. જેમાં કેટલાક મોટા માથા વધેરાય તેવી પૂરી સંભાવના છે. પાર્ટી કોઈ કાર્યવાહી નહીં કરે તો પણ એમને કાયમી સાઈડલાઈન કરી દેવાય તેવી ચર્ચા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જૂથવાદ ચરમ સીમાએ હોવાનું સૌ કોઈ જાણે છે. એમાં પણ રાજકોટ એ એપી સેન્ટર છે. રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રને અસર કરતું હોવાથી અહીં જ મોટા ખેલ થાય છે. રાજકોટથી રૂપાલા મોટા થઈ જાય તો ઘણા નેતાઓ આખી જિંદગી ઘસી કાઢે પણ ગાભા મારવા જેવી સ્થિતિ પેદા ન થાય તે માટે રૂપાલા વિરોધીઓ સક્રિય થયા હોવાની ચર્ચાઓ છે. સામેથી એક સાથે રહેતા નેતાઓ પડદા પાછળ ભૂડી ભૂમિકા ભજવતા હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ઉપરથી આદેશો આવતાંની સાથે નેતાઓ સીધા દોર થઈ ગયા છે.
હું પાયાનો કાર્યકર, જાહેર જીવન છોડી દઈશઃ
આ મામલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ સ્પષ્ટતા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મારા સહિત ભાજપના તમામ કાર્યકરો નિર્દોષ છે. અને સૌ કોઈ પોતાને સોંપેલી જવાબદારી મુજબ કામ કરી રહ્યા છે. જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી મારી કોઈ ભૂમિકા સાબિત થશે તો જાહેર જીવન છોડી દઈશ. આ વાત ભાજપની પ્રગતિ જોઈ ન શકતા વિઘ્નસંતોષીઓ દ્વારા ફેલાવવામાં આવી છે. હકીકતમાં આવી કોઈ જ વાતમાં તથ્ય નથી. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષે વધુ ખુલાસો કરતા જણાવ્યુ કે, હું 20 વર્ષથી ભાજપના પાયાના કાર્યકર તરીકે કામ કરૂ છું અને જો મારો કઇ ખોટા વ્યક્તિ સાથે સંબંધ સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઇશ.
આ ઉપરાંત જણાવ્યુ કે, અમારી પાર્ટીના હિતશત્રુઓ અમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. તેમજ “જે સમાચારો વહેતા થયા છે તે ખોટા છે તેમાં કોઇ તથ્ય નથી. IBના રિપોર્ટના નામે પણ ભ્રમ અને અફવા વિરોધીઓ ફેલાવે છે તેવા ખોટા અહેવાલ માં કોઈ તથ્ય નથી. પાર્ટીમાં વરિષ્ઠ આગેવાન જેમાં વજુભાઈ અને વિજય ભાઈ સહિતના તમામ આગેવાનોનું વખતો વખત સન્માન કરે છે તે અમારો પરિવાર છે. જે નારાજગી છે દૂર થઈ જશે અને પાર્ટીનાં ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જંગી વિજય મેળવશે.
બોધરાએ કર્યા હતા રાજકોટ બેઠક માટે પ્રયાસોઃ
ભરત બોઘરા એ પાટીલની ગુડબુકમાં આવે છે. જેઓ ભાજપમાં પ્રદેશ ઉપાધ્યક્ષ હોવાની સાથે ઓપરેશન લોટસ કમિટીના ચેરમેન પણ છે. વિધાનસભા ચૂંટણી પહેલાં ડો. ભરત બોઘરાએ જસદણ આટકોટ વિસ્તારમાં વિશાળ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું હતું. જ્યારે આ હોસ્પિટલના લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જસદણ ખાતે આવ્યા હતા. ત્યારે પણ બોઘરાનું કદ વધ્યું હતું. ત્યારબાદ જસદણ ખાતે નિર્માણ પામેલી કેડી પરવડીયા હોસ્પિટલમાં અધતન લેબનું લોકાર્પણ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. એવામાં તેઓ સરકાર અને સંગઠનના મજબૂત નેતા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે તાજેતરમાં જ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી લેખિત માડી ગરબા ઉપર એક લાખ લોકોએ ગરબા રમ્યા હતા.
જેમાં પણ બોઘરાની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. આ બધા સમીકરણો જોતા એવી ચર્ચાઓ હતી કે ડો. ભરત બોઘરા આગામી દિવસોમાં રાજકોટ લોકસભા બેઠક ઉપરથી પક્ષ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવશે. જોકે, ભાજપે પેરાશૂટ ઉમેદવાર રૂપાલાને ઉતારી તમામના અરમાનો પર પાણી ફેરવી નાખ્યું હતું. ડો. ભરત બોઘરાની વાત કરવામાં આવે તો બોઘરા જસદણ વિધાનસભા બેઠક ઉપરથી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમજ એક વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. હવે સવાલ એ છે કે, આગ વિના ધૂમાડો પેદા ન થાય તો રૂપાલા વિવાદમાં બોઘરા નથી તો કોણે પડદા પાછળ ભૂમિકા ભજવી.