Rajputs' Final Ultimatum To BJP :  એક તરફ દેશભરમાં નરેન્દ્ર મોદીને સતત ત્રીજાવાર પ્રધાનમંત્રી બનાવવા માટે ભાજપે ઝંઝાવાતી પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યાં બીજી તરફ પીએમ મોદીના ગૃહ રાજ્ય એટેલે કે, હોમ ગ્રાઉન્ડ ગણાતા ગુજરાતમાં ભાજપને કરવો પડી રહ્યો છે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો. કારણ છે, ભાજપના જ એક ઉમેદવાર અને તેમણે કરેલી વિવાદિત ટિપ્પણી. અહીં વાત થઈ રહી છે, કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને તેમણે ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્પણીની અને ત્યાર બાદ ગુજરાત સહિત દેશભરમાં લાગેલી આગની...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



જી હાં આગ શબ્દ અહીં એટલા માટે વાપરવમાં આવ્યો છે કે, કારણકે, આ મુદ્દો હવે સમાજ સાથે સમાજના એક મોટો તબક્કા સાથે જોડાઈ ગયો છે. લાખો લોકો હાલ ગુજરાતમાં રસ્તા પર ઉતરીને એક વ્યક્તિ સામે વિરોધ કરી રહ્યાં છે. એ વ્યક્તિ કોણ છે, કેન્દ્ર સરકારમાં મંત્રી અને ભાજપના લોકસભાના ઉમેદવાર. આ સ્થિતિને હાલ રાજકીય પંડિતો પણ કળી શકે તેમ નથી. પણ એક વાત અહીં ઉડીને આંખે વળગે છે એ છે આંદોલનની મોડેસ ઓપરેન્ડી. જીહાં રૂપાલાને હટાવવા રાજપૂતોએ તલવાર તો તાણી દીધી છે પણ કરી રહ્યાં છે પાટીદારો વાળી. બની શકે કે આગામી દિવસોમાં અમદાવાદનું જીએમડીસી ગ્રાઉન્ડ જય ભવાની અને જય રાજપૂતાના નારાઓથી ગૂંજી ઉઠે...


  • રૂપાલા મુદ્દે રાજપૂતોએ ભાજપ સામે તલવારો તાણી

  • ક્ષત્રિયોએ બનાવ્યો પાટીદાર આંદોલન જેવો જ માહોલ

  • શક્તિ પ્રદર્શન કરીને ભાજપને ડરાવવાનો રાજપૂતોનો પ્લાન

  • લોકસભા ચૂંટણીમાં ભાજપને ભારે પડી શકે છે ક્ષત્રિયોની નારાજગી 

  • ક્ષત્રિયોના જુદા જુદા ફાંટા એક થતાં રાજકોટમાં તમામ રેકોર્ડ તૂટ્યા

  • સાત દાયકાથી જે નહોંતુ થયું તે રૂપાલાના વિવાદિત બોલથી થયું

  • રૂપાલાના વિવાદના કારણે એકજૂથ થઈની લડી રહ્યો છે ક્ષત્રિય સમાજ

  • રૂપાલાનું નિવેદન બન્યું મહિલાઓના આત્મસન્માન અને અસ્મિતાની લડાઈ

  • માત્ર 6 ટકા ગરાશિયા નહીં હવે 17 ટકા ક્ષત્રિયોની લડાઈ  

  • ભાજપ પાટીદારોને એક કરવા ગઈ પણ અહીં ક્ષત્રિયો એક થઈ ગયા

  • રૂપાલા સામેની લડાઈ હવે ભાજપ વિરુદ્ધની બનતાં પ્રદેશ ટેન્શનમાં  


શું ફરી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં થશે ઘમાસાણ?
25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાઈ હતી પાટીદાર અનામત આંદોલનની મહારેલી. આ આંદોલનનો મુખ્ય ચહેરો બનેલાં હાર્દિક પટેલની તેજાબી વાણીને સાંભળવા અને પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપવા ત્યારે એક સાથે લાખો પાટીદારો અમદાવાદના રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. ખાસ કરીને અમદાવાદનું જીએમડીસી ગ્રાઉ્ન્ડ ત્યારે પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર બન્યુ હતું. ત્યાર બાદ ત્યાં પોલીસ દમન થયું અને પાટીદાર અનામત આંદોલને વધુ આગ પકડી. પછી ઉપવાસ આંદોલનો ચાલ્યાં અને વિરોધનો વંટોળ ઉઠ્યો. આ તમામમાં એક વ્યવસ્થિત આયોજન બદ્ધ રીતે વ્યવસ્થાઓ કરાતી હતી. બહારથી સમર્થન માટે આવતા સમાજના લોકોને બેસવા માટે, રહેવા માટેની વ્યવસ્થા થતી હતી.


 



પાટીદારોની મોડસ ઓપરેન્ડી પાર થઈ


નાસ્તો, ચા-પાણીથી માંથીને જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ પુરી પાડવામાં આવતી હતી. જેમાં પાટીદાર સમાજના યુવકોએ પોતાના મેનમેનેજમેન્ટની ઓળખ આપી. સમાજના વડીલોને પણ તેમને પુરો સથવારો મળ્યો હતો. લેઉઆ પટેલ અને કડવા પટેલ પણ આ પાટીદાર અનામત આંદોલનમાં એક થઈને સત્તા સામે લડતા જોવા મળ્યાં. આ વખતે ક્ષત્રિયોએ પણ પાટીદારોની જ મોડસ ઓપરેન્ડી અપનાવી છે. કંઈ જ પ્રકારના આયોજન બદ્ધ રીતે ચાલી રહ્યું છે ક્ષત્રિયોનું આંદોલન. ગઈકાલની સભા માટે જમવાથી લઈને ચા સુધીના ઠેકા ઉભા કરાયા હતા. ક્ષત્રિયોની ગાડીઓ વિના રોકટોક ટોલનાકા પરથી પસાર થઈ હતી. જેમની પાસે સાધનો નહોતા એમની માટે લક્ઝરીઓ મૂકાઈ અને એક સાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા... એક છમકલું ન થયું તો ના થયો કોઈ વિવાદ અને ક્ષત્રિયોનું સંમેલન પૂર્ણ થયું હવે આ આગ વધુ વકરી રહી છે. 


જે 70 વર્ષમાં નહોંતુ થયું તે રૂપાલાના નિવેદનના લીધે થયુંઃ
કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે મહિપાલસિંહ મકરાણા, એ કહ્યુંકે, 70 વર્ષ થી ક્ષત્રિયો એક નહોંતા થતા, રૂપાલાના એક નિવેદનના કારણે આ રીતે બધા ભેગા થયા. પણ હવે બધા ભેગા થયા છે તો ભેગા થઈને આ વિવાદનો અંત લાવીને જ ઝંપશે. રૂપાલાની ટિકિટ પરત ખેંચ્યા સિવાય બીજી કોઈ જ રીતે આ આંદોલન શાંત નહીં થાય એવી ચિમકી પણ ક્ષત્રિય સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


રાજકોટમાં દેખાયો ક્ષત્રિય આંદોલનો પાર્ટ-1:
રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે મેદાનમાં ઉતરેલાં ક્ષત્રિયોએ રાજકોટમાં શક્તિપ્રદર્શન કર્યું. રાજકોટમાં મળેલાં સંમેલનમાં એક સાથે 4 લાખ કરતા વધારે ક્ષત્રિયો એકત્રિત થયાં. જ્યાં પાટીદાર આંદોલન જેવી જ મોડેસ ઓપરેન્ડી જોવા મળી. સંમેલનમાં આવનાર લાખો લોકોની બેસવાની વ્યવસ્થા, તેમના માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા. બહારથી આવનાર સમાજના આગેવાનો માટે રોકાણની વ્યવસ્થા. આંદોલનને સુનિયોજિત રીતે આગળ લઈ જવા માટેની રણનીતિ ઘઢવા માટેના રણનીતિકારો. પાટીદાર આંદોલનની જેમ જ અન્ય રાજ્યોમાંથી પણ ક્ષત્રિયોને મળી રહ્યો છે સહકાર. તેથી અહીં પાટીદાર અનામત આંદોલનની જેમ સેમ ટુ સેમ મોડેસ ઓપરેન્ડી અહીં જોવા મળી રહી છે. આ અગાઉ રાજકોટમાં એકવાર ખેડૂત સંમેલનમાં રાદડિયાએ 3 લાખની મેદની એકત્રિત કરી હતી. જ્યારે એકવાર સોનિયા ગાંધીની સભામાં 3 લાખ લોકો એકત્રિત થયા હતાં.


 


- 4 લાખ લોકો ભેગા થયા પણ ક્ષત્રિયોએ શિસ્તનો પરચો આપ્યો, 5-5 કિલોમીટર લાઈનોમાં બેઠા
- એક લાખ લોકો ન પહોંચી શક્યા છતાં તેઓએ શાંતિ જાળવી, રતનપુરમાં હતું જબરદસ્ત મેનેજમેન્ટ
- મેડિકલ ટીમ, ચા-નાસ્તા અને જમવા સુધીના ક્ષત્રિયોએ ઠેકા બનાવ્યા, ટોલટેક્સ ભર્યા વિના ઘણી ગાડીઓ થઈ પસાર
- ગામડાઓમાં ફ્રીમાં લક્ઝરીઓ મૂકાઈ હવે પાર્ટ-2 આંદોલન શરૂ અને નવી રણનીતિનો અમલ
- રાજકોટમાં જબરદસ્ત સંમેલન બાદ નેકસ્ટ ટાર્ગેટ અમદાવાદ, પાટીદારવાળી થશે
- 19મી સુધી રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો દેશભરના ક્ષત્રિયો અમદાવાદ પહોંચશે
- ક્ષત્રિયો રાજકોટ બાદ અમદાવાદમાં સંમેલનનું ફૂંકી શકે છે રણશિંગુ, જીએમડીસી જયભવાનીથી ગાજશે
- એક રૂપાલા નહીં હવે ક્ષત્રિયો ભાજપ સામે આંદોલન ફૂંકશે, ક્ષત્રિયોએ રૂપાલાનો આભાર માન્યો
- લાખોની સંખ્યામાં લોકો ફસાયા પણ ક્ષત્રિયોએ ટ્રાફિક સેન્સનો અનોખો પરિચય આપ્યો
-  હવે વટનો સવાલ! ક્ષત્રિયોની નવી રણનીતિ ભાજપને અપાવશે ટેન્શન


રાજકોટમાં નવા રેકોર્ડ બન્યા


રાજકોટમાં મળેલાં સંમેલનમાં ક્ષત્રિયોએ એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. આ સંમેલનમાં ક્ષત્રિયોએ ગુજરાતમાં સત્તા પલટવાનો હુંકાર કર્યો હતો.રાજકોટના રતનપરમાં પરશોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યાં હતા. આ સંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આંદોલનને વધુ આક્રમક બનાવવા અંગેની રણનીતિ બનાવાઈ હતી. સંમેલનને લઈને પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. ક્ષત્રિયો સત્તા પલટવા માટે હંમેશા આગળ આવ્યા હોવાનો પણ હુંકાર ભર્યો છે.   


ભાજપને અલ્ટીમેટમ, ક્ષત્રિય આંદોલનો પાર્ટ-2:
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ કરવાના મુદ્દે રવિવારે રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું તેમાં ગુજરાતભરમાંથી અંદાજે 4 લાખ જેટલા ક્ષત્રિયો ઊમટી પડ્યા હતા. મેદાન ટૂંકું પડ્યું હતું. ત્રણ લાખ લોકો જ પ્રવેશી શક્યા હતા. જ્યારે એક લાખથી વધુ લોકો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા. જે ક્ષત્રિયો સંમેલન સ્થળે પહોંચી ન શક્યા તેમની આયોજકોએ માફી પણ માગી હતી. ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ સંમેલનનું આયોજન કર્યું હતું. ગુજરાતભરમાંથી કેટલાક રાજવીઓ ઉપરાંત ભાયાતો અને ગામધણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ સંસ્થાઓના આગેવાનોએ પણ સભા ગજવી હતી અને સૌનો એક જ મત રહ્યો હતો કે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ કરવામાં આવશે. જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે. 


અમદાવાદના GMDCમાં  ક્ષત્રિય આંદોલનો પાર્ટ-3:
વર્ષ 2015માં હાર્દિક પટેલની આગેવાનીમાં અમદાવાદનું જીએમડીસી ગ્રાઉન્ડ પાટીદાર અનામત આંદોલનનું સાક્ષી બન્યું હતું. હવે 2024માં ફરી એકવાર અમદાવાદના એજ જીએમડીસી ગ્રાઉન્ડ પર આંદોલનની આગ ભભૂકવાની તૈયારીમાં છે. કારણકે, એજ ગ્રાઉન્ડ પર આંદોલનને લઈને મહારેલીનું ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે આયોજન. રાજકોટ ખાતે મળેલ ક્ષત્રિય મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયોએ મળીને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મહારેલીનો નિર્ણય કર્યો છે. ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પરસોત્તમ રૂપાલાને 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ અપાયું છે. 19 એપ્રિલ સુધી જો ભાજપ હાઈકમાન્ડ દ્વારા રૂપાલાનું ફોર્મ પરત નહિ ખેંચવામાં આવે તો અમદાવાદ ખાતે આંદોલન કરાશે એવી ચિમકી પણ રાજપૂતોએ ઉચ્ચારી છે. ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ કહ્યું કે, રૂપાલાની ટિકિટ પરત નહિ ખેંચાય તો અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આંદોલન કરાશે. જેમાં સમગ્ર દેશભરમાંથી ક્ષત્રિયો એકત્રિત થશે. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય તે જ ક્ષત્રિય સમાજની માંગ છે. અહીં વાત હવે બાપુઓના વટ પર આવી ગઈ છે.


વાત વટ પર આવે પછી બાપુ કોઈના નહીં...


ઉલ્લેખનીય છેકે, લોકસભાની ચૂંટણીમાં રાજકોટથી ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર થતાની સાથે પહેલાં પક્ષમાં આંતરિક વિરોધની ઝલક જોવા મળી. પછી રૂપાલાની જીભ લપસી અને મામલાએ જોતજોતામાં આગ પકડી લીધી. આ આગને ઓલવવા માટે ભાજપ હવે હવાતિયાં મારી રહ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ હવે યેનકેન પ્રકારે ક્ષત્રિયોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે પણ બાપુઓ હવે બગડ્યાં છે. બાપુઓએ હવે આ વાત વટ પર લઈ લીધી છે...એવું કહેવાય છેકે, વાત વટ પર આવે પછી બાપુ કોઈના નહીં...હાલ ગુજરાતમાં કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જેની અસર ધીરે ધીરે દેશના અન્ય રાજ્યોમાં પણ વર્તાઈ રહી છે. પાટીદાર આંદોલન બાદ જે રીતે ગુજરાત ભડકે બળ્યુ હતું તે જ રીતે હવે જો રૂપાલાની ટિકિટ પરત ન લેવાય તો ગુજરાત ફરી એકવાર મોટા આંદોલનનું સાક્ષી બની શકે છે. સરકાર, પ્રશાસન અને સમાજે પણ આ અંગે અત્યારથી વિચાર કરવો પડશે.