રાહુલની ન્યાયયાત્રા પણ ભાજપ કરશે ફેલ: 14 લોકસભા બેઠકોને ટાર્ગેટ, કોંગ્રેસને પતાવી દીધી
Loksabha Election 2024: ભાજપે અહીં પોતાનો એક જ મંત્ર અપનાવ્યો છે કે જેની સામે તમે જીતી ન શકો, તેમને તમારી સાથે સામેલ કરો, જેનાથી તમારી તાકાત વધે છે. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો 14 બેઠકો ટાર્ગેટ છે. જે બેઠકો પર આદિવાસી સમાજનો દબદબો છે.
Loksabha Election 2024: એક સમયે કોંગ્રેસની મજબૂત વોટબેંક ધરાવતી કોંગ્રેસના અહીં સૂપડાં સાફ થઈ રહ્યાં છે. ગુજરાતમાં રાહુલની ન્યાયયાત્રા આદીવાસી બેલ્ટ સંલગ્ન વિસ્તારોને જ ટાર્ગેટ કરશે પણ ગુજરાતના આદીવાસી વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ ઘટી રહ્યું છે. ગત વિધાનસભામાં ગુજરાતમાં કોંગ્રેસની મજબુત વોટ બેંકમાં ગાબડું પાડીને બીજેપીએ 27માંથી 23 બેઠકો જીતી છે, જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આદિવાસી વિસ્તારમાં 17 બેઠકો જીતી હતી. ભાજપે અહીં પોતાનો એક જ મંત્ર અપનાવ્યો છે કે જેની સામે તમે જીતી ન શકો, તેમને તમારી સાથે સામેલ કરો, જેનાથી તમારી તાકાત વધે છે. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો 14 બેઠકો ટાર્ગેટ છે. જે બેઠકો પર આદિવાસી સમાજનો દબદબો છે.
વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વિકાસ અને પ્રવાસનનું મોડેલ બનાવ્યું છે. દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ગુજરાત લોકસભાની 14 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેથી તમામ રાજકીય પક્ષોએ આદિવાસી મતદારોને આકર્ષવા માટે આ વિસ્તારોમાં પ્રચંડ પ્રચાર કરી રહી છે. કોંગ્રેસને ગુજરાતમાં અહીં એક માત્ર આશા છે જ્યાં રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યાં છે.
ગુજરાતની 27 કરતા વધુ વિધાનસભાની બેઠકો પર આદિવાસી સમાજનો દબદબો છે ત્યારે ભાજપે કલ્યાણકારી યોજના થકી તેમને રિઝવવાના પ્રયાસો તો કર્યા જ છે. સાથે જ સ્થાનિક સ્તરે વિપક્ષમાં મજબૂત હોય તેવા રાજકીય નેતાઓને પણ ભાજપમાં પ્રવેશ કરાવી આદિવાસી વોટ બેંક મજબૂત કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રાજકીય રીતે શક્તિશાળી એવી આદિવાસી વોટ બેંક પર ભાજપે ફોક્સ વધાર્યું છે. ભાજપે લોકસભા પહેલાં આયોજિત કરેલી એક યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લીધા હતા.
આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા
ભાજપનો એક જ ટાર્ગેટ છે કે ગમ તે કરો જીત મેળવો, આદીવાસી સમાજના નેતાઓને તોડીને એ ભાજપમાં લાવી છે. થોડા દિવસો પહેલાં વરિષ્ઠ કોંગ્રેસી અને આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે, નારણ રાઠવાના દિકરા સહિત અનેક કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે જેથી કોંગ્રેસને આદિવાસી બેલ્ટમાં ફટકો પડી શકે છે. લોકસભા ચૂંટણીની દ્રષ્ટિએ આદિવાસી મતબેંક અગત્યની છે. ત્યારે નારણ રાઠવાના પક્ષપલટા સાથે કેટલાક સવાલો પણ ઉપસ્થિત છે. રાજ્યનો આદિવાસી નેતા ક્યાં અને કોની સાથે ઉભો છે? રાજ્યનો આદિવાસી સરવાળે ક્યાં અને કોની સાથે છે? આદિવાસી નેતૃત્વની વિચારધારામાં પરિવર્તનનું કારણ શું? આદિવાસી પોતાના હિત પ્રત્યે વધુ સજાગ થયો છે કે નહીં? આદિવાસી નેતાઓ આદિવાસીઓનો કેટલો વિકાસ કરી શક્યા? હવે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને હરાવવા માટે ભાજપ મહેશ વસાવાને પણ કેસરિયો પહેરાવી રહી છે. આમ ભાજપે શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી કોંગ્રેસની મજબૂત વોટબેંકને પતાવી દીધી છે.
તાજેતરમાં ક્યા આદિવાસી નેતાઓએ કોંગ્રેસ છોડી?
- નારણ રાઠવા
- અશ્વિન કોટવાલ
- જીતુ ચૌધરી
- મોહન રાઠવા
- મંગળ ગાવિત
- ધીરુભાઈ ભીલ
- સોમજી ડામોર
ભાજપને શું ફાયદો થઈ શકે છે?
ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાઠવા ત્રિપુટીનું વર્ચસ્વ જોવા મળ્યું છે. નારણ રાઠવા, મોહન રાઠવા, સુખરામ રાઠવાનો પ્રભાવ છે તેમજ મોહન રાઠવા અગાઉ ભાજપમાં જોડાઈ ચુક્યા છે. નારણ રાઠવા પણ ભાજપમાં જોડાતા લોકસભા ચૂંટણીમાં અસર પડી શકે છે. સુખરામ રાઠવાનો હવે ધીમે ધીમે પ્રભાવ ઘટી રહ્યો છે. ગત વિધાનસભામાં સુખરામ રાઠવાનો પરાજય થયો હતો. આમ ભાજપ કોંગ્રેસમાં મજબૂત ગણાતા નેતાઓને ટાર્ગેટ કરી રહી છે.