લોકસભા ચૂંટણીઃ તોગડિયા `હિન્દુસ્થાન નિર્માણ દળ`ના નેજા હેઠળ 100 ઉમેદવાર ઊભા રાખશે
પ્રવીણ તોગડિયાએ તેમની પાર્ટી `હિન્દુસ્થાન નિર્માણ દળ` દેશના 12થી વધુ રાજ્યોમાંથી ચૂંટણી લડશે એવી જાહેરાત કરી છે
અતુલ જી. તિવારી/ અમદાવાદઃ લોકસભા 2019ની ચુંટણી માટે પ્રવીણ તોગડિયાના 'હિન્દુસ્થાન નિર્માણ દળ' દ્વારા પક્ષનું ચુંટણીનું નિશાન પાણીની ટાંકી રાખવામાં આવ્યું છે. 'અબકી બાર હિન્દુત્વ કી સરકાર'ના નારા હેઠળ 'હિન્દુસ્થાન નિર્માણ દળ' તરફથી દેશની 100 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કરાયું છે. જેના માટે શુક્રવારે ગુજરાત (9), ઉત્તરપ્રદેશ (19), આસામ (7), હરિયાણા (1) અને ઓડીશા(5)ની કુલ 41 સીટના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. બાકીના ઉમેદવારોના નામની જાહેરાત આગામી યાદીમાં કરાશે.
આજે જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતની 26માંથી 9 લોકસભા બેઠકો માટે ઉમેદવારના નામ તેમજ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓના નામની પણ જાહેરાત કરાઈ હતી. 'હિન્દુસ્થાન નિર્માણ દળ' પક્ષ તરફથી ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, કચ્છ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ, પંચમહાલ અને દાહોદ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે.
RSSના સક્રિય કાર્યકર અને અમરેલીના ખેડૂત આગેવાન કોંગ્રેસમાં જોડાયા
પ્રવીણ તોગડિયા પોતે લોકસભાની ચુંટણી લડશે કે નહીં તે સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, મહિનાના અંતમાં યુપીમાં મળનારી પદાધિકારીઓની બેઠકમાં કાર્યકરો સાથે બેસીને ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ચુંટણી લડીશ કે કેમ્પેઈન કરીશ તેનો નિર્ણય લેવાશે. કાર્યકરો તરફથી તોગડિયાને અયોધ્યા, મથુરા અને વારાણસીની બેઠકો પરથી ઉમેદવારી કરવાની સલાહ અપાઈ છે, પરંતુ હાલ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.