Valsad માં એકલા રહેતા વૃદ્ધને લૂંટારુઓએ ટાર્ગેટ કર્યાં, આંખમાં કેમિકલ નાંખી લૂંટ કરી
- હાલમાં પોલીસ તમામ શકમંદોને પૂછપરછ કરી રહી છે અને નજીકના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. પરંતુ વૃદ્ધના નિવેદન બાદ જ આ સમગ્ર ઘટનામાં પ્રકાશ પડી શકે એમ છે.
ઉમેશ પટેલ/વલસાડ :ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ઉંમરગામ તાલુકામાં સનસનીખેજ લૂંટની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તો બીજી બાજુ સમગ્ર જિલ્લામાં ઠેર-ઠેર નાકાબંધી કરીને પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્નો શરૂ કર્યા છે.
વલસાડના ઉમરગામમાં આવેલા દહાડ વિસ્તારમાં એક વૃદ્ધ ઘરમાં એકલા રહેતા હતા. રાત્રિના સમયે બેથી ત્રણ જેટલા હથિયારધારી લૂંટારૂઓ તેમના ઘરમાં ત્રાટક્યા હતા અને તેમની આંખોમાં કોઇ કેમિકલ જેવો પદાર્થ નાંખીને લૂંટ ચલાવી હતી. લૂંટની સાથે તેમણે વૃદ્ધના માથાના ભાગે બોથડ પદાર્થથી ઈજા કરી હતી, જેથી તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ આસપાસના વિસ્તારના લોકોને થતા લોકો તાત્કાલિક મદદે ધસી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
મોડી રાત્રે બનેલી આ લૂંટની ઘટનાથી સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઇ ગઇ હતી. વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ફરી તપાસ કરી આરોપીઓનું પગેરું મેળવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. જોકે બીજી બાજુ વૃદ્ધ ઘાયલ હોવાથી તેનું નિવેદન લેવાનું બાકી છે. આરોપીઓ કઈ રીતે આવ્યા હતા એ હજુ ચોક્કસ માહિતી બહાર આવી શકી નથી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વૃદ્ધનું નામ રમેશ જૈન છે અને તેઓ ખાનગી કુરિયર કંપનીના એજન્સી ધરાવતા હતા. તેઓ આ મોટા બંગલામાં એકલા રહેતા હતા અને તેમના બંગલાની પાછળ ખુલ્લું મેદાન છે. તેમના સંબંધીના જણાવ્યા મુજબ, લૂંટારૂઓ રાજસ્થાની ભાષા બોલતા હતા. આથી પોલીસે નજીકના વિસ્તારોમાં પણ ચુસ્ત પેટ્રોલિંગ કર્યું હતું. લૂંટારુંઓ ક્યાંથી આવ્યા હતા અને કઈ દિશામાં પલાયન થયા તે બાબતે પણ પૂછપરછ હાથ ધરી છે.
તો આ લૂંટ વિશે ડીવાયએસપી વીએન પટેલે જણાવ્યું કે, લૂંટારુઓ 30 હજાર રૂપિયા રોકડ 25 હજારના લલેપટોપ સહિત સોનાના ઘરેણાં મળી કુલ 95 હજારની ચોરી કરી ફરાર થયા હતા. ભોગ બનનાર હજુ સારવાર હેઠળ છે, તો બીજી બાજુ પોલીસને ત્યાંથી ઘરના રાઉન્ડ પણ મળ્યા છે. એટલે કે ફાયરિંગ થયું હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. તો બીજી બાજુ વૃદ્ધના આંખોમાં નંખાયેલા કેમિકલને કારણે હાલ વૃદ્ધને દેખાતું નથી. તબીબે જણાવ્યું હતું કે, વૃદ્ધના માથામાં બોથડ પદાર્થ માર્યું હોવાના કારણે માથાના ભાગે પણ ઈજા થઇ છે. ત્યારે હવે વૃદ્ધના નિવેદન બાદ પોલીસને સુધી પહોંચવા માટેની ચોક્કસ દિશા મળી શકશે. હાલમાં પોલીસ તમામ શકમંદોને પૂછપરછ કરી રહી છે અને નજીકના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. પરંતુ વૃદ્ધના નિવેદન બાદ જ આ સમગ્ર ઘટનામાં પ્રકાશ પડી શકે એમ છે.