વડોદરામાં ફરી એકવાર લવજેહાદ : યુવતીની મરજી વિરૂદ્ધ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ફતેગંજ પોલીસ મથકે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે આ મામલે સંતોકનગરનાં મોહિબ પઠાણ નામના યુવક સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે. યુવતીની મરજી વિરૂદ્ધ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.
હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરામાં લવ જેહાદ જેવાં સંગીન ગુનાનો વધુ એક મામલો સામે આવ્યો છે. વિધર્મી યુવકે બળજબરીપૂર્વક યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કર્યા બાદ નામ પણ બદલાવી નાંખતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીને ત્રાસ આપનાર વિધર્મી યુવક સહિત ત્રણ જણાની પોલીસે અટકાયત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા ધર્મ સ્વાતંત્ર સુધારણા અધિનિયમ પસાર કરાયાં બાદ એક પછી એક લવ જેહાદનાં કિસ્સા સામે આવી રહ્યાં છે. વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરાનાં નવાયાર્ડ વિસ્તારનાં સંતોકનગરમાં રહેતાં વિધર્મી યુવકે યુવતીને ફસાવી તેની સાથે બળજબરીપૂર્વક નિકાહ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું. એટલું જ નહીં લગ્ન બાદ યુવતીનું નામ બદલાવી 'માહીરા' કરી નાંખ્યું. તેમજ લગ્નથી જન્મેલાં બાળકનું નામ બદલવા દબાણ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો. પતિ સહિતનાં સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવતી પોલીસ મથકે દોડી જતાં ફતેગંજ પોલીસે ફરિયાદ દાખલ કરી છે તેવુ એ ડિવિઝનના એસીપી પરેશ ભેંસાણીયાએ જણાવ્યું.
બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનાં આ કિસ્સામાં હિન્દુ જાગરણ મંચ પણ પીડિતાની વ્હારે આવ્યું છે. સંસ્થાનાં કાર્યકરોએ પીડિત યુવતીને મનોબળ પૂરું પાડી હિંમત આપી છે. સાથે આવી અન્ય પીડિતાઓને પણ સામે આવી આવાં વિધર્મીઓને પાઠ ભણાવવા અપીલ કરી છે.
સમગ્ર મામલે ફતેગંજ પોલીસે વિધર્મી યુવક સહિત તેનાં પિતા અને ભાઇની ધર્મ સ્વાતંત્ર સુધારણા અધિનિયમ હેઠળ અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા કાયદો લાગુ કર્યા બાદ સંસ્કારીનગરી વડોદરામાં લવ જેહાદ મામલે પોલીસ ફરિયાદની આ બીજી ઘટના છે.