ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, ડીસામાં ઠંડીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો
રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં બનાસકાંઠાનું ડીસા શહેર સૌથી ઠંડું શહેર નોંધાયું છે. ડીસામાં ઠંડીએ 7 વર્ષનો રેકોર્ડ તોડતા અહીં લઘુત્તમ તાપમાન 6.4 ડીગ્રી નોંધાયું છે. તો સાથે નલીયામાં તાપમાન 7.5 ડીગ્રી નોંધાયું છે.
અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં બનાસકાંઠાનું ડીસા શહેર સૌથી ઠંડું શહેર નોંધાયું છે. ડીસામાં ઠંડીએ 7 વર્ષનો રેકોર્ડ તોડતા અહીં લઘુત્તમ તાપમાન 6.4 ડીગ્રી નોંધાયું છે. તો સાથે નલીયામાં તાપમાન 7.5 ડીગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 9.4 ડીગ્રી નોંધાયું છે. ગઈકાલ કરતા આજે તાપમાનમાં 5.1 ડીગ્રીનો ઘટાડો થતા ડીસાવાસીઓ ઠંડીમાં ઠુંઠવાઈ ગયા છે. જ્યારે લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યાં છે.
વધુમાં વાંચો: પુરૂષો નથી કરી શકતા તેવું કામ કરે છે આ ગુજરાતી મહિલા
ગુરૂવારે ગુજરાત અને રાજસ્થાન ઉપર છવાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લામાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો. બે દિવસથી ગરમીનું વાતાવરણ રહ્યા બાદ અચાનક જ ઠંડીમાં ફેરવાઇ ગયું અને ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું. આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
વધુમાં વાંચો: ગુજરાતમાં આ પ્લાન્ટ શરૂ થતા AMCને થશે ફાયદો, વર્ષે કરશે આટલી આવક
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, 12:30થી 4:30 વાગ્યા સુધી પવનની ઝડપ પ્રતિ કલાક 30 કિલોમીટર રહી હતી. જ્યારે બપોરે અઢી વાગ્યે ઝડપ વધીને 36 કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી. અમદાવાદનું લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી, ગાંધીનગરનું 11.2 ડિગ્રી, વડોદરાનું 14.2, સુરતનું 17.6 અને રાજકોટનું 14.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે દિવસભર 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. દિવસભર ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.