પેપરલિક કાંડના 2 આરોપીઓ પહોંચ્યા GPSCની પરીક્ષા આપવા, લોકોના ટોળા જામ્યા
તાજેતરમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લિક થયું હતું. જેને કારણે 9 લાખ જેટલા પરીક્ષાર્થીઓ અટવાયા હતા. પેપર શરૂ થવાના ક્ષણભર પહેલા જ પેપરલિક થયાની અને પેપર રદ થયાની માહિતી આપવામાં આવી હતી ત્યારે હવે આ કેસમાં પકડાયેલા બનાસકાંઠાના બે આરોપીઓ જીપીએસસીની પરીક્ષા આપવા પહોંચ્યા હતા.
અલ્કેશ રાવ/બનાસકાંઠા : તાજેતરમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લિક થયું હતું. જેને કારણે 9 લાખ જેટલા પરીક્ષાર્થીઓ અટવાયા હતા. પેપર શરૂ થવાના ક્ષણભર પહેલા જ પેપરલિક થયાની અને પેપર રદ થયાની માહિતી આપવામાં આવી હતી ત્યારે હવે આ કેસમાં પકડાયેલા બનાસકાંઠાના બે આરોપીઓ જીપીએસસીની પરીક્ષા આપવા પહોંચ્યા હતા.
આજે રાજ્યભરમાં GPSC વર્ગ-3ની નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની પરીક્ષા યોજાઇ હતી. ગુજરાતભરમાંથી અનેક ઉમેદવારોએ તેની એક્ઝામ આપી હતી. ત્યારે LRD પરીક્ષાના પેપર લીક મામલાના આરોપીઓ આજે બનાસકાંઠામાં GPSCની પરીક્ષા આપવા પહોંચ્યા હતા. બનાસકાંઠાના અમીરગઢ ખાતે આવેલી સરકારી કૉલેજમાં પેપર લીકનાં આરોપી ઉત્તમસિંહ ભાટીને પોલીસ કાફલા સાથે પરીક્ષા કેન્દ્ર પર લાવવામાં આવ્યો હતો. જ્યારે બીજો આરોપી રાજેન્દ્રસિંહ ડાભી દાંતીવાડા ખાતે સરકારી કૉલેજમાંથી પરીક્ષા આપશે. બંને આરોપીને જોવા પરીક્ષા કેન્દ્ર પર ટોળા જોવા મળ્યા હતાં. તો બીજી તરફ આરોપીઓએ મીડિયા સમક્ષ કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. પરીક્ષા પુરી થયે આરોપીને ફરીથી પોલીસ જાપતા સાથે ગાંધીનગર પરત લઈ જવાયા હતા.
બંને આરોપીઓને પરીક્ષા આપવા માટે કામચલાઉ જામીન આપવામાં આવ્યા હતા. અમીરગઢની વિનયન કોલેજમાં પરિક્ષાને લઇ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંને આરોપીઓને વહેલી સવારથી પરીક્ષા સુધીના જામીન આપવામાં આવ્યા હતા.