Gujarat Election Second Phase Voting : ધવલસિંહ ઝાલા, મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા. આ ત્રણ એવા નામ છે જેણે ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ભાજપની ચિંતા વધારી દીધી છે. બીજા તબક્કાના મતદાનમાં 3 બેઠકો એવી છે જેના પરિણામ પર સૌ કોઇની નજર રહેશે. જેનું કારણ છે બળવાખોર ઉમેદવારો. આ ઉમેદવારો ભાજપ માટે ચિંતાનું કારણ બની ગયા છે. કારણ કે, ત્રણેય બેઠકો પર ભાજપના એક સમયના દિગ્ગજો જ તેમની સામે છે. બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ અને પાદરા બેઠક પરથી દિનેશ પટેલને હરાવવા હરીફ ઉમેદવારોને આંટા આવી જશે એ ગેરેન્ટી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાયડ બેઠક પર ભાજપે ટિકિટ ન આપતા ધવલસિંહ ઝાલાએ ઘણાં ધમપછાડા કર્યા હતા. પરંતુ ભાજપ ટસનું મસ ન થતા ધવલસિંહે અંતે અપક્ષ  ઉમેદવારી નોંધાવી પરિણામે ભાજપે તેમને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો. ધવલસિંહને બાયડથી ટિકિટ ન આપતા હજારોનું ટોળું કમલમ સુધી પહોંચ્યુ હતું, જે તેમની તાકાત બતાવે છે. 


તો બીજી તરફ, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ભાજપના સિટીંગ અને માથાભારે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 7મી વખત ચૂંટણી લડવા ટિકિટ માંગી હતી. પરંતુ ભાજપે ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવે પણ વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ એટલે કે દિનુમામાએ પણ પોતાની ટિકિટ કપાતા ભાજપ સામે બંડ પોકાર્યું અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હવે આ 3 નેતાઓ જીત મેળવી શકશે કે પછી મતદારો તેમને જાકારો આપશે તેના પર સૌની નજર રહેશે.



ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ-કોંગ્રેસે કેટલાક સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે, કેટલાકને રિપીટ કર્યા છે. તો અમુક બેઠકો પર બન્ને પક્ષોએ નવા ચહેરાઓને ઉતાર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે 43 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. તો 69 ધારાસભ્યોને રિપીટ કર્યા છે. આ તરફ કોંગ્રેસે 9 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ ન આપી અને 50 અન્ય સિટીંગ ધારાસભ્યોને રિપીટ કર્યા છે. બીજા તબક્કાની કુલ 93 બેઠકોમાંથી ભાજપે 23 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ નથી આપી અને 30 સિટીંગ ધારાસભ્યોને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે 6 ધારાસભ્યોને ટિકિટ નથી આપી અને 28 સિટીંગ ધારાસભ્યોને ફરી મેદાને ઉતાર્યા છે.