Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત થઈ ગયો છે. હવે પાર્ટીના ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ત્યારે મધુ શ્રીવાસ્તવે ફરી અધિકારીઓને ચીમકી આપી છે. વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા કહ્યું કે ચૂંટણી જીત્યા પછી અધિકારીઓને નહીં છોડું. ગઈકાલે નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા ધમકી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, ચૂંટણી જીત્યા પછી અધિકારીઓને નહીં છોડું. ચૂંટણી જીત્યા પછી બતાવીશ કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ, અધિકારીઓની કચ્છ ભુજ બદલી ના કરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવે અનેક વખત અધિકારીઓને ધમકી આપી છે. 



અગાઉ પણ વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું, હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો... હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે.


સાવલીમાં ભાજપ કોંગ્રેસની રેલીમાં માથાકુટ 
સાવલીમાં ભાજપ કોંગ્રેસની રેલી સામસામે આવતા માથાકુટ થઇ હોવાની માહિતી મળી રહી છે. કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો સ્ટેજ અને ઝંડા તોડી નાખતા બબાલ થઈ. માથાકુટ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પેરા મીલીટરી ફોર્સના જવાનોએ બળપ્રયોગ કર્યો હતો. શેરપુરા ચોકડી પાસે આ ઘટના બની હતી. કોંગ્રેસ કાર્યકરોની 8 થી 10 ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોને માર મારતાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી. કોંગ્રેસે સેન્ટ્રલ ફોર્સની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો.


ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં હતા. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો બેન્ડવાજા, ડીજે સાથે રેલીઓ યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.