AMCએ હાથ ધરી ઝુંબેશ, ભીનો અને સૂક કચરો અલગ આપવા માટે ચલાવશે મહાઅભિયાન
મેગાસીટી અમદાવાદમાં દરરોજ અંદાજે 4 હજાર ટન એટલે કે 40 હજાર કિલો ઘન કચરો એકઠો થાય છે. જેમાંથી હાલમાં એએમસી તંત્ર ફક્ત 1900 ટન કચરાનું જ પ્રોસેસ કરી શકે છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ મેગાસીટી અમદાવાદમાં ઘન કચરાના નિકાલની સમસ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુઃખાવો બની ગઇ છે. તેવામાં અમદાવાદ શહેરના કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ 10 સ્વચ્છ શહેરોની યાદીમાં લાવવાની તંત્રની જીદ વધુ અડણચો ઉભી કરી રહી છે. ત્યારે હવે એએમસીએ શહેરમાંથી એકઠા થતા કચરાને આગામી ત્રીજી ડિસેમ્બરથી સુકો અને ભીનો એમ અલગ અલગ રીતે જ લેવાનું નક્કી કર્યુ છે. જેની અવરનેસ માટે બીજી ડિસેમ્બરે 40000 કર્મચારીઓની મદદથી મહાઅભિયાન પણ હાથ ધરાશે.
મેગાસીટી અમદાવાદમાં દરરોજ અંદાજે 4 હજાર ટન એટલે કે 40 હજાર કિલો ઘન કચરો એકઠો થાય છે. જેમાંથી હાલમાં એએમસી તંત્ર ફક્ત 1900 ટન કચરાનું જ પ્રોસેસ કરી શકે છે. બાકીનો કચરો પીરાણા સ્થીત ડમ્પીંગ સાઇટ પર એકઠો થઇ રહ્યો હોવાથી ત્યાં કચરાનો વિશાળ પહાડ સર્જાઇ ગયો છે. જેના કારણે અનેક પ્રકારની પર્યાવરણીય મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. સાથે જ આ પીરાણા સાઇટ કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ માટે નકારાત્મક બાબત પણ સાબિત થઇ રહી છે. જેના ઉકેલના ભાગરૂપે શાષકો અને તંત્રએ શહેરમાં એકઠા થતા કચરાને સુકા અને ભીના કચરારૂપે અલગ અલગ એકઠો કરવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે, ત્રીજી ડિસેમ્બરથી સૂકા અને ભીના કચરાને અલગ અલગ રીતે એકઠો કરતા પહેલા તંત્રએ અનેક કામગીરી કરી છે. જે અંતર્ગત વિવિધ રહેણાક સોસાયટી અને ધંધાકીય એકમોને સ્થાનીક તંત્ર મારફતે આગોતરી જાણ અને બેઠકો પણ કરી છે. સાથે જ શહેરમાં અનેક ઠેકાણે 3000 જટેલા બ્લુ અને ગ્રીન ડસ્ટબીન પણ મૂકવામાં આવ્યા છે. કચરો એકઠો કરવા માટેની વાન પણ ખાસ રીતે બનાવવામાં આવી છે. તંત્રનું કહેવુ છે કે સૂકો અને ભીનો કચરો એકઠો કરવાથી શહેરની ઘન કચરાની સમસ્યા હલ કરવામાં શહેરીજનોનો મોટો ફાળો મળશે. સાથે જ પીરાણા ખાતે એકઠા થતા ટોટલ કચરામાં પણ ઘટાડો જોવા મળશે. જેથી પર્યાવરણીય ફાયદો પણ થશે. આ કારણોસર મ્યુનિસિપલ કમિશ્નરે શહેરના દરેક નાગરિકોને સાથસહકાર આપવા ખાસ વિનંતી કરી છે. આ માટે તંત્ર દ્વારા બીજી ડિસેમ્બરે દિવસભર વિવિધ સ્થળે 40 હજાર જેટલા કર્મચારીઓ અને સ્વયંસેવકોની મદદથી લોકોની અવરેનેસ માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે, વર્ષે 500 કરોડ કરતા પણ વધારેનો ખર્ચ સફાઇકામદારોના પગાર અને ઘન કચરાના નિકાલની વ્યવસ્થા પાછળ ખર્ચાય છે. તેમ છતાં શહેરીજનોના અપૂરતા સહકારને કારણે છેલ્લા બે વર્ષથી અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં 14 અને 12માં ક્રમે રહ્યુ છે. ત્યારે તંત્રએ અમદાવાદને 2019 ના સર્વેક્ષણમાં પ્રથમ 10 સ્વચ્છ શહેરોની યોદીમાં સમાવવા કમર કસી છે અને પ્રજાનો સાથ માંગ્યો છે. ત્યારે જોવાનું રહે છેકે પોતાના શહેર માટે પ્રજાજનો તંત્રને કેટલો સાથ આપે છે.