ખોડલધામમાં મહાસભાની તૈયારી, વિધાનસભાની ચૂંટણી પહેલા ખાસ આયોજન
Gujarat Assembly Election : વિધાનસભાની ચૂંટણી પહેલા યોજાનાર મહાસભા માટે રવિવારે ખોડલધામમાં બેઠક મળશે... નરેશ પટેલ, ખોડલધામના કન્વીનર અને સહ કન્વીનરો બેઠકમાં આપશે હાજરી... નવમી ઓક્ટોબરે યોજાઈ શકે ખોડલધામની મહાસભા
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ખોડલધામમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. રવિવારે કાગવડના ખોડલધામમાં મહાસભાને લઈને બેઠક મળવાની છે. ખોડલધામના કન્વીનરો અને સહ કન્વીનરોની બેઠક મળશે. મહાસભાની રૂપરેખા તૈયાર કરવા માટે આ બેઠક મળશે.
ખોડલધામના આંગણે 9 ઓક્ટોબરે મહાસભાનું આયોજન કરાયું છે. આ મહાસભામાં પાટીદાર સમાજના આગેવાનો અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે. ખાસ વાત તો એ છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા મહાસભાનું આયોજન થઈ રહ્યું છે. તે માટે 28 ઓગસ્ટના રોજ ખોડલધામ ખાતે મહાસભાની વ્યવસ્થા અંગે બેઠક થશે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આગામી કાર્યક્રમને લઈને જણાવ્યું કે, ખોડલધામના કન્વીનરો અને સહ કન્વીરોની બેઠક યોજાશે. મહાસભાની રૂપરેખા તૈયાર કરવા આ બેઠકમાં ચર્ચાવિચારણા થશે. બેઠકમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે. મહાસભામાં ખોડલધામના આગેવાનો અને કાર્યકરો સાથે વિવિધ પાટીદાર સંસ્થાના આગેવાનો, ઉદ્યોપાતિઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. તેથી આ મહાસભા ખાસ બની રહેશે.
આ પણ વાંચો : પિતા-પુત્રની જોડીની કમાલ, 35 વર્ષથી એવી ફાવટ આવી ગઈ કે, માત્ર કોબી-ફ્લાવરની જ ખેતી કરે છે
ઉલ્લેખનીય છે કે, આ પહેલા નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઈને અનેક ચર્ચાઓ ઉઠી હતી. પરંતું તે મામલે તેમણે નિર્ણય પાછો ખેંચ્યો હતો. રાજકારણમાં નહિ તો 2022ની ચૂંટણીમાં નરેશ પટેલનો શુ રોલ હશે તે વિશે પૂછતા તેમણે કહ્યુ કે, હવે સમાજ દ્વારા પોલિટિકલ કમિટી બનાવવામાં આવશે. જેમાં યુવાનોને રાજકારણમાં પ્રવેશ માટે ટ્રેનિંગ આપવામાં આવશે. 2022માં દરેક પાર્ટીમાં પાટીદારોને પ્રભુત્વ રહે તેવા પ્રયાસો કરીશ. જે સમાજ મારી પાસે મદદ માંગશે તે દરેક માટે પ્રયાસ કરીશ. 80 ટકા યુવાનો રાજકારણમાં જવા કહે છે. 50 ટકા મહિલાઓ મને રાજકારણમાં જવા માટે કહે છે. પરંતુ 100 ટકા વડીલો કહે છે રાજકારણમાં ન જવું જોઈએ તેવુ કહે છે. પ્રશાંત કિશોર ના ન આવવાથી હું નથી જતો એવું નથી.