Zee 24 કલાકના અહેવાલની ઈમ્પેક્ટ : ગાંધીજીના પૌત્રવધુને દાંડી કાર્યક્રમનું આમંત્રણ અપાયું
આવતીકાલે દાંડી ખાતે ભવ્ય નમક સત્યાગ્રહ સ્મારક રાષ્ટ્રને સમર્પિત થવાનું છે. પીએમ મોદી આવતીકાલે આ સ્મારક લોકોની સામે ખુલ્લુ મૂકશે. પણ જે રાષ્ટ્રપિતાના નામે આ સ્મારક બનાવવામાં આવ્યું છે, તેમના પૌત્રવધુ દાંડીથી સાવ નજીક રહેતા હોવા છતાં તેમને કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
તેજશ મોદી/સુરત : આવતીકાલે દાંડી ખાતે ભવ્ય નમક સત્યાગ્રહ સ્મારક રાષ્ટ્રને સમર્પિત થવાનું છે. પીએમ મોદી આવતીકાલે આ સ્મારક લોકોની સામે ખુલ્લુ મૂકશે. પણ જે રાષ્ટ્રપિતાના નામે આ સ્મારક બનાવવામાં આવ્યું છે, તેમના પૌત્રવધુ દાંડીથી સાવ નજીક રહેતા હોવા છતાં તેમને કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે ગઈકાલે ઝી 24 કલાકે ખાસ અહેવાલ પ્રસારિત કરાયો હતો કે, ગાંધીજીના પૌત્ર સ્વ.કનુભાઈ ગાંધીજીના ધર્મપત્ની શિવાલક્ષ્મીને આમંત્રણ અપાયું ન હતું. ત્યારે ઝી 24 કલાકના અહેવાલની અસર બાદ તંત્ર દોડતુ થયું હતું અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે જાતે જઈને તેઓને આમંત્રણ આપ્યું હતું.
મહાત્મા ગાંધીના પૌત્ર સ્વ. કનુભાઈ ગાંધીના ધર્મપત્ની ડો. શિવાલક્ષ્મી. કનુભાઈના અવસાન પછી સુરતના ભીમરાડ ગામમાં છેલ્લા 9 મહિનાથી રહે છે. શાસનમાં રહેલા નેતાઓ અને અધિકારીઓ આ બાબત જાણે પણ છે, તેમ છતાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે, તંત્રએ પોતાની આ ભૂલ સ્વીકારી હતી, અને આજે તાત્કાલિક તેમને આમંત્રણ આપવા દોડવું પડ્યું હતું. જોકે, સાંસદ સી.આર.પાટીલે દેશના પ્રતિષ્ઠિત પરિવારની વહુને માત્ર મૌખિક આમંત્રણ જ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીની 150મી જંયતી દેશભરમાં સરકાર મનાવી રહી છે. વારે આવતીકાલે 30 જાન્યુઆરીના રોજ નવસારીના દાંડી ખાતે મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહની યાદ રૂપે બનાવવામાં આવેલા મ્યુઝીયમનું ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે. દાંડી યાત્રા સમયે મહાત્મા ગાંધીની એક તસવીર ખૂબ પ્રચલિત બની હતી. એ તસવીર મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધીની હતી, જેમાં કનુભાઈ મહાત્મા ગાંધીની લાઠી પકડીને ચાલી રહ્યા છે. આગામી 30 જાન્યુઆરીએ આજ દાંડી યાત્રા સાથે જોડાયેલા મ્યુઝીયમનું નવસારીના દાંડી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકાપર્ણ કરવા જઈ રહ્યા છે. અંદાજે 150 કરોડના ખર્ચે બની રહેલા આ મ્યુઝિયમ તૈયાર કરાયું છે.