ઝી ન્યૂઝ/અમદાવાદ: છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુ ભીલનો ભરતી કૌભાંડમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડતા સનસનાટી વ્યાપી ગઈ છે. આખી ઘટનામાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો. આજે સવારથી જશુ ભીલના અહેવાલો સામે આવ્યા બાદ Zee 24 kalakના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. જશુ ભીલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અનુસુચિત જનજાતિ ઉપાધ્યક્ષના પ્રમુખ જશુ ભીલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપે શિસ્તભંગનું કારણ આપીને તેમને સસ્પેન્ડ કર્યા છે. વીડિયો વાયરલ  થયા બાદ ભાજપે મોટી કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે, જશુ ભીલ પ્રદેશ ભાજપ અનુસુચિત જનજાતિ ઉપાધ્યક્ષના પ્રમુખ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના?
છોટા ઉદેપુરમાં ભાજપના એક નેતાજીનો વીડિયો વિવાદના વમળ ઉભા કરી રહ્યું છે. ભાજપનાં પૂર્વ નેતા જશુભાઈ ભીલનાં કથિત ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થતા ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા છે. અને સીઆર પાટીલના આદેશ બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પ્રદેશ ભાજપ અનુસુચિત જનજાતિ ઉપાધ્યક્ષ જસુભાઈ ભીલ અગાઉ એસ.ટી. નિગમમાં  ડિરેકટર રહી ચૂક્યા છે. તેઓના ડીરેક્ટર પદ વખતે એસ.ટી બસના કંડકટર ભરતી માટે સમદ મકરાણી નામના યુવક પાસેથી નાણા પડાવ્યાનો ઉલ્લેખ વાયરલ વિડીયોમાં કરવામાં આવ્યો છે.


એસ.ટી બસના કંડકટર ભરતી માટે સમદ મકરાણી નામના યુવકને નોકરી ન મળતા તેણે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ કર્યો હતો. એટલું જ નહીં, સમદ મકરાણી પોતાના રૂપિયા પાછા લેવા પહોચ્યો હતો. ત્યારે જશુભાઈ ભીલે ઉમેદવાર પાસેથી લેવાયેલી રકમ આગળના અધિકારીઓને આપી દીધા હોવાનું જણાવ્યું હતું. હવે સવાલ એ થાય છે કે ઉચ્ચ અધિકારીઓ કોણ છે? તેનો ખુલાસો થતા જ કેટલાય મોટા માથાઓ સંડોવાય તેવી આશંકા પ્રવર્તી રહી છે.


વાયરલ વીડિયો બાબતે સમદ મકરાણીનું નિવેદન
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો બાબતે સમદ મકરાણીએ જણાવ્યું હતું કે, 2018ની એસટી કંડક્ટરની ભરતીમાં મેં ફોર્મ ભર્યું હતું. જશુભાઇ ભીલને કલેક્ટરના ઓર્ડર માટે મેં 40 હજાર રૂપિયા આપ્યા હતા. હું 2020માં જશુભાઈને મળવા ગયો ત્યારે તેનો વીડિયો મેં સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. મારા 40 હજાર રૂપિયા મને પાછા મળે તેવી મારી માંગ છે. હું તો છેતરપિંડીનો ભોગ બની ગયો છું, મને ન્યાય મળ્યો નથી. પણ મારી જેમ કોઇ અન્ય ગરીબ વ્યક્તિ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે હું તમામને અપીલ કરું છું.


વાયરલ વીડિયો બાબતે ભાજપ નેતા જશુ ભીલની સ્પષ્ટતા
આ ઘટના ચર્ચામાં આવ્યા બાદ કંડક્ટરની નોકરી માટે રૂપિયા લીધા હોવાનો મામલે ભાજપ નેતા જશુ ભીલે સ્પષ્ટતા કરી છે. જશુ ભીલે કહ્યું છે કે, આ જૂનો વીડિયો હોય શકે છે. મારો કાર્યકાળ તો જૂન-જુલાઈ 2017માં પૂર્ણ થઈ ગયો હતો. મારી પાસે અનેક લોકો આવતા હોય છે. આ વીડિયો કોણે લીધો તેની મને ખબર નથી. જો કે, મેં તેમને ન્યાય અપાવવાની વાત કરી છે.


તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો વિશે ઝી ૨૪ કલાક તેની પુષ્ટિ કરતું નથી.