ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના APL-1 કાર્ડધારકોના પરિવારોને એપ્રિલ મહિનાનું અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોના કરોડો મધ્યમવર્ગીય લોકોને હવે કોરોના મહામારી દરમિયાન લાભ મળશે. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ રૂપાણીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-19ની લોકડાઉનની સ્થિતિમાં રાજ્યમાં સૌને પૂરતું અનાજ મળી રહે તે માટે દેશભરના રાજ્યોમાં પહેલ કરીને ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારોમાં APL-1ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું નહોતું. તેવા તમામ 60 લાખથી વધુ મધ્યમ વર્ગના લોકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.


સરકારના આ નિર્ણયથી મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત થશે અને વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં તેઓ સરળતાથી અનાજ મેળવી શકશે. રાજ્યમાં અત્યંત ગરીબ, શ્રમજીવી અને પરપ્રાંતિય રાજ્યના શ્રમિકો કે જેમની પાસે રેશનકાર્ડ નથી તેમને પણ અન્નબ્રહ્મ યોજના અંતર્ગત હાલની સ્થિતિમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે સાથે હવે મધ્યમ વર્ગના APL-1 કાર્ડધારકોને પણ અનાજ વિનામૂલ્યે આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube