રાજકોટ : ગોંડલના દેરડી ગામના એક આધેડને જીવતા સળગાવી દેવાનો ચકચારી બનાવ બન્યો છે. 20 હજારની ઉઘરાણી કરવા ગયેલા આધેડને સળગાવી દેવાયા હતા. હાલ એમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલના તાબેના દેરડી કુંભાજી ધાર વિસ્તારમાં રહેતા ભનુભાઈ વીરાભાઈ ચાવડા (ઉંમર 45 વર્ષ) ગત સાંજે પાટખિલોરી ગામે ગયા હતા. તેઓ આ ગામે પોતાનું બાકી લેણુ લેવા ગયા હતા. ત્યારે ઉઘરાણી કરતા સમયે ડખો થયો હતો. તેમણે પાટખિલોરી ગામે રહેતા કાના નામના વ્યક્તિને મકાનની જરૂરિયાત માટે 20 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. હાલ તેમને રૂપિયાની જરૂરિયાત હોઈ તેઓ પોતાના રૂપિયાની ઉઘરાણી કરવા ગયા હતા. ત્યારે તેમની કાના સાથે માથાકૂટ થઈ હતી. આ સમયે કાનાના માસી શારદાબેન પણ તેના ઘરે હતા. તેથી કાના અને તેની માસી શારદાબેન તથા કેટલાક શખ્સોએ મળીને ભનુભાઈને આગ ચાંપી હતી. 


આ ઘટના બાદ ભનુભાઈને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. રૂપિયાની લેતીદેતી મામલે જ આગ ચંપી કરાઈ છે, કે અન્ય કોઈ મામલામાં આગ લગાડાઈ છે તે મામલે પોલીસે પૂછપરછ શરૂ કરી છે.