AMCનો ફરી જોવા મળ્યો અંધેર વહીવટ, શહેરમાં અનેક સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં, અંધારાથી આક્રોશિત શહેરની જનતા
અમદાવાદ મહાનગર પાલિકા પોતાની વાહવાહી માટે તો હંમેશા આગળ રહે છે પરંતુ જનતાના કામ કરવામાં ખુબ પાછળ છે. સ્માર્ટ શહેરના ખોટા દાવોઓ તો તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ અમદાવાદના રસ્તાઓમાં અનેક સ્ટ્રીટ લાઈટ બંધ છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં અંધેર વહીવટની અનેક વાતો તમે સાંભળી જ હશે. વધુ એક વાત હવે ખુદ લાઈટને લઈ સામે આવી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટો તો અનેક છે પરંતુ અનેક લાઈટો બંધ અવસ્થામાં છે. અનેક ફરિયાદો છતાં લાઈટો ચાલુ કરવામાં ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે...ત્યારે જુઓ અમદાવાદમાં અંધારાનો અંધેર વહીવટનો આ અહેવાલ....
આ છે અમદાવાદ...એ અમદાવાદ જે સ્માર્ટ અને વર્લ્ડ હેરિટેજ સિટી છે. જે સ્માર્ટ સિટી હોય ત્યાં સુવિધાઓ અને વ્યવસ્થાઓ પણ સ્માર્ટ હોવી જરૂરી હોય છે. પણ આ શહેરમાં શહેરીજનોને સુવિધા નહીં પણ અનેક દુવિધાઓ જ મળી રહી છે. સત્તાધીશો અને અધિકારીઓની લાલિયાવાડીથી શહેરના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદમાં જ્યારે સૂરજ ઢળે એટલે અનેક જગ્યાએ ઘોર અંધકાર છવાઈ જાય છે. કારણ કે અનેક વીજપોલ પર લટકતી લાઈટો બંધ અવસ્થામાં છે. એક પણ લાઈટ ચાલુ કરીને શહેરને અંધારામાંથી બહાર કાઢવાની તસ્તી શહેરના સત્તાધીશો લેતાં નથી.
એવું બની શકે કે જે લાઈટો બંધ છે તેની જાણ AMCને ન હોય....અમદાવાદના સ્થાનિકોએ અનેક ફરિયાદો આ મામલે કરી છે. છેલ્લા બે વર્ષમાં 1 લાખ 88 હજાર ફરિયાદો માત્ર બંધ લાઈટની નોંધવવામાં આવી છે. પરંતુ હજુ સુધી ક્યાંય લાઈટ ઝબકી નથી...લાઈટ ખાતાની કામગીરી હોય છે કે સપ્તાહમાં એક દિવસ ફરજિયાત વિવિધ વિસ્તારમાં રાઉન્ડ મારવાનો હોય છે. પરંતુ મારે કોણ?.
આ પણ વાંચોઃ ગુજરાતના આ શહેરમાં આભ ફાટ્યું, 10 ઈંચ વરસાદ, ત્રણ સિસ્ટમ સક્રીય થતાં ભારે આગાહી
અમદાવાદમાં જે લાઈટો બંધ છે તેનાથી શહેરીજનો આક્રોશિત છે. બંધ લાઈટને કારણે રાત્રે પાર્ક કરેલા વાહનો ચોરી થઈ જવાનો સતત ડર સતાવ્યા કરે છે. અંધારામાં મોબાઈલ કે ચેન સ્નેચિંગ શક્યતા રહે છે. તો ઘોર અંધકારનો લાભ લઈ અસામાજિક તત્વો આતંક મચાવે છે.
અમદાવાદ કોર્પોરેશનની ઘોર બેદરકારી અને શહેરીજનોને પડતી હાલાકીથી વિપક્ષ આક્રોશિત છે. વિપક્ષના નેતાએ કોર્પોરેશન સામે આકરા પ્રહારો કર્યા છે. અધિકારીઓને પણ વિપક્ષે આડે હાથ લીધા.
શહેર અંધારામાં છે, શહેરીજનો અંધારાથી આક્રોશિત છે, વિપક્ષ આકરા વાકબાણ છોડી રહ્યું છે. તો આ મામલે અમે AMCના સત્તાધીશો અને અધિકારીઓનો સંપર્ક સાધ્યો...પરંતુ કોઈએ કંઈ જ બોલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો...એક પણ અધિકારીની હિંમત ન થઈ કે જનતાને આશ્વાસન પણ આપીએ...આના પરથી જ સમજી શકાય છે કે અમદાવાદમાં વહીવટ કેવો ચાલી રહ્યો છે. અંધેર વહીવટ કોને કહેવાય એ અમદાવાદની AMCએ બતાવી દીધું છે.