રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. કચ્છનાં દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. માંડવીના પિંગલેશ્વરના દરિયા કિનારેથી મરીન કમાન્ડોને બિન વારસી હાલતમાં શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. આ પેકેટમાં માદક પદાર્થ જ છે કે કઇ બીજુ તેની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવતી હોય છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે ત્યારે હવે પિંગલેશ્વરના દરિયા કિનારેથી મરીન કમાન્ડો ફોર્સને ફૂટ પેટ્રોલિંગ કરતા સમયે 10 પેકેટ મળી આવ્યા છે.


મરીન કમાન્ડો પિંગ્લેશ્વરથી મોટી સિંધોડી કોસ્ટલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે સવારે 09.46 કલાકે કડુલી બીચ વિસ્તારથી આશરે 600 મીટર આગળ 10 સિલ્વર રંગના પેકેટ જોવા મળ્યા. જે પકેટોનો કુલ વજન આશરે 10 (દશ) કિલોગ્રામ હતું અને તેમાં માદક પદાર્થ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.


મરીન કમાન્ડો ફોર્સને સિલ્વર રંગનું પેકેટ જોવા મળતા તેના પર અંગ્રેજીમાં સ્ટારબક્સ મીડીયમ રોસ્ટ, કોફી વિથ એસેન્ટિયલ વિટામિન લખેલું હતું. તેમજ કપ - રકાબીની છાપ છાપેલી હતી. પેકેટના ખૂણામાં દરિયાઈ રેતી જામેલી જોવા મળી હતી, એટલે દરિયાના મોજા સાથે તણાઈને કિનારે આવ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પેકેટ શંકાસ્પદ જણાતા કબ્જે લઇ આગળની કાર્યવાહી અર્થે કોઠારા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે જમા કરાવવામાં આવ્યા હતા.


અગાઉ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ લહેરોથી ધોવાઈ ગયેલા આ ચરસના પેકેટ ભારતમાં પ્રવેશે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ રિકવર કરી લીધા છે. 20 મે, 2020 થી બીએસએફ અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા કુલ 1471 ચરસ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube