ઝી ન્યૂઝ/ખેડા: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ રાજનીતિમાં જોરદાર ગરમાવો આવી રહ્યો છે. કોંગ્રેસ અને આપમાંથી મોટા નેતાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે હાલ એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.  ભાજપમાં પણ હવે ચૂંટણી ટાણે મોટા નેતાઓ નારાજ થયા છે. માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ ભાજપથી નારાજ હોવાના સમાચાર મળતા ખળભળાટ મચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી 24 કલાક પર અત્યારની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે અને રાજીનામું આપવાની વાત વહેતી થતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. સૂત્રો પાસેથી મળતી અને અંદરની માહિતી પ્રમાણે લીંબાસીમાં કેસરીસિંહના પિતાને કોઈકની સાથે ઝઘડો થયો હતો અને આ કેસમાં પોલીસે કોઈ કાર્યવાહી ના કરતાં કેસરીસિંહ નારાજ થયા છે અને તેમણે પક્ષમાંથી રાજીનામું આપવાની વાત કરી છે. ભૂતકાળમાં પણ કેસરીસિંહ પોલીસથી નારાજ હતા.


મળતી માહિતી પ્રમાણે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપને રાજીનામુ આપી દેવાની ધમકી આપી છે. તમને જણાવી દઈએ કે કેસરિસિંહ સોલંકીના પિતા સાથે ખેતરમાં ચાર લોકો સાથે ગત 8 તારીખે ઝગડો થયો હતો. ત્યાકબાદ કેસરીસિંહ સોલંકીના પિતાએ લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 15 દિવસનો સમય વીતવા છતાં અને આરોપીઓ ગામમાં હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા ધારાસભ્યએ રાજીનામુ આપવાની ધમકી આપી છે.


આ સાથે જ આવતી કાલે ખેડા જિલ્લાની માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ પક્ષમાંથી રાજીનામું આપી શકે છે. કેસરીસિંહે આરોપ લગાવ્યો છે કે પોલીસ આરોપીઓને છાવરે છે અને ધારાસભ્યનું પણ સાંભળતી નથી. આ મામલે તેમણે ઉપર સુધી રજૂઆત કરી તેમ છતાં કોઈ નિરાકરણ ના આવ્યું હોવાથી તેમણે રાજીનામું આપવાની ચીમકી આપી છે. કેસરિસિંહ ચૌહાણે વધુમાં કહ્યું હતું કે, આવતીકાલે રાજીનામું આપીશ. 


ધારાસભ્ય કેસરીસિંહનો ભૂતકાળ વિશે
થોડા સમય પહેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના જુગાર કાંડ મામલો સામે આવ્યો હતો. જેમાં તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધાયો હતો. ધારાસભ્ય કેસરીસિંહને પણ જામીનમુક્ત કરાયા હતા.


આ ઘટના વિશે અમે તમને જણાવીએ કે ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ગામ પાસે ઝીમી રિસોર્ટમાં જુગાર અને દારૂની મહેફિલ કરતા હતા અને જ્યાં અચાનક જ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સહિતના અનેક લોકો દારૂ ની મહેફિલ અને જુગાર રમતા ઝડપાઈ જતા ધારાસભ્ય કેસરી સિંહ ઉપર અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા. બીજી તરફ સવાલ એ પણ ઉભો થયો હતો કે આ રિસોર્ટમાં દારૂ ની વ્યવસ્થા કોણે કરી અને દારૂનો જથ્થો આવ્યો ક્યાંથી હતો? તેમ છતાં તેની તપાસ આજદિન સુધી થઈ નથી.


નોંધનીય છે કે, માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અનેક વાતોને લઈને ચર્ચામાં તો રહ્યા છે, જેમાં ખેડા જિલ્લામાં ચાલતું માટી ખનન હોય કે પછી રોડ રસ્તાના બજેટ મંજુર કરાવી રોડ નહીં બનાવાના જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પણ આજે ચૂંટણી ટાણે હવે ભાજપથી નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube