ઝી બ્યુરો/અમદાવાદ: કોઈપણ સપનું ચમત્કારથી પૂરું થતું નથી. સપનાને સાચા કરવા માટે દ્રઢ સંકલ્પ અને આકરી મહેનત કરવી પડે છે. આ વાક્યને મહેસાણાના એક સામાન્ય પરિવારથી આવતા મયુર બારોટ એ સાબિત કરી બતાવ્યું છે. મયુરે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં ઓલ ઇન્ડિયા 11 મો રેન્ક હાસિલ કર્યો છે. આ પાછળનું ક્રેડિટ તે પોતાના પત્નીને આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કોરોનામાં યાદસ્ત જતી રહી
કોરોનાના સમયમાં મયુરની માતાનું નિધન થયું. મયુરની તેની માતા સાથે ખૂબ લાગણી રહી છે. એક તરફ માતાના ગુજરી ગયાનું દુઃખ ત્યારે બીજી તરફ મયુર ને પણ કોરોના પોઝિટિવ આવતા સારવાર દરમિયાન તેની યાદ શક્તિ જતી રહી. આ સમયે તે UPSC ની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ મયુરની પત્નીએ આપેલા સાથના કારણે તેની સ્થિતિમાં સુધાર આવ્યો અને પરીક્ષા પાસ કરી. 



પત્નીને વિશ્વાસ હતો કે ક્લાસ વન ઓફિસર બનશે
કહેવાય છે કે જ્યારે જીવનમાં યોગ્ય જીવન સાથી આવી જાય છે ત્યારે જીવનની મુશ્કેલીઓ મહદઅંશે  હળવી થઈ જાય છે. ZEE 24 કલાકની વાતચીતમાં મયુરે જણાવ્યું તેને તો વિશ્વાસ જ ન હતો કે તે પરીક્ષા પાસ કરશે પરંતુ તેની પત્નીને મયુરની કાબેલિયત પર હંમેશા વિશ્વાસ રહ્યો. તે અવારનવાર મયુરના આત્મવિશ્વા્સને પ્રોત્સાહન આપતી અને તે એક દિવસ જરૂરથી ક્લાસ વન ઓફિસર બનશે તેવું કહેતી રહેતી.



IFS પહેલા મયુર મામલતદાર રહી ચૂક્યો છે
મયુર બારોટે છઠ્ઠા પ્રયત્ન ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ની પરીક્ષા પાસ કરી છે. આ પહેલા તે રાજ્ય સરકારની ક્લાસ 1 થી લઇ ક્લાસ 3ની ઘણી પરીક્ષાઓ પાસ કરી ચુક્યો છે. તેની માટે એક મુશ્કેલી એ પણ રહી છે કે ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી હોવાના કારણે અંગ્રેજી ભાષા ઉપર તેની પકડ સારી ન હતી. આ માટે તેણે પહેલા છ મહિના માત્ર ઇંગલિશ ન્યૂઝ પેપર ઉપર ફોકસ કર્યું છે. તેનું કહેવું છે કે એકાગ્ર ચિત્ત સાથે એક જ દિશામાં સતત પ્રયત્ન કરવાથી પરિણામ હંમેશા મળે છે.