હાર્દિક પટેલને મળવા પહોંચેલા મેધા પાટકરનો વિરોધ, લોકોએ નર્મદા વિરોધી વાપસ જાઓના નારા લગાવ્યા
હાર્દિકના ઉપવાસનો આજે આઠમો દિવસ છે. પાટીદાર સંસ્થાના આગેવાનો, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિક સાથે મુલાકાત કરી હતી.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેનો આજે આઠમો દિવસ છે. તો હાર્દિકને મળવા માટે મેધા પાટકર આવી પહોંચ્યા હતા. જ્યારે તેઓ ગ્રીનવુડ પાસે પહોંચ્યા તો તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાર્દિકના સમર્થકોએ ખેડૂત વિરોધી અને નર્મદા વિરોધી વાપસ જાઓના નારા લગાવ્યા હતા. બીજીતરફ હાર્દિકના એક સાથી મનોજ પનારાએ હાથ જોડીને મેધા પાટકરને પરત જવા માટે વિનંતી કરી હતી.
શું બોલ્યા મેધા પાટકર
મેઘા પાટકરે જણાવ્યું કે, હાર્દિકના ઉપવાસ અંગે મને જાણ નખી. હું છેલ્લા 10 દિવસથી કેરળમાં હતા. ત્યાંથી પરત આવ્યા બાદ મને આ વાતની જાણ થઈ હતી. હાર્દિક ખેડૂતોના મુદ્દે ઉપવાસ કરી રહ્યો છે તેથી હું ખેડૂત સમર્થન હોવાને કારણે તેના આંદોલનને ટેકો આપવા માટે આવી છું.
સમાધાનના સંકેત
ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ, સીદસર સંસ્થાના પ્રમુખ જેરામ પટેલ સહિત સંસ્થાના અન્ય આગેવાનો હાર્દિક સાથે ઉપવાસ છાવણીમાં મુલાકાત કરી હતી. જેરામ પટેલે જણાવ્યું કે, સંસ્થામાં આંદોલનને સમર્થન આપવાનો ઠરાવ થયેલો છે. આંદોલનની માગણીઓને લઈ અમે યુવાનોની સાથે સરકાર સાથે ચર્ચા કરીશું. આર્થિક માપદંડોના ધોરણે વિચારવાની જરૂર છે. આંદોલન શરૂ થયું હું મધ્યસ્થી તરીકે છું. અત્યાર સુધી કોઇ નક્કર નિર્ણય નથી થયો હતો. સમાજના આગેવાનો મધ્યસ્થીનો પ્રયાસ કરે છે. ઝઘડો આંદોલનકારી અને સરકાર વચ્ચે છે. પાણીનો ત્યાગ કર્યો હતો એટલે તેને પાણી પીવડવા આવ્યા હતા. આનો સુખદ ઉકેલ આવે તેવો સંસ્થાનો ઉદ્દેશ છે.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિક સાથે કરી મુલાકાત
અનામતને લઈને ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મળવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા હતા. જ્યાં અમિત ચાવડાએ હાર્દિક પટેલના ખબર અંતર પુછ્યા હતા અને હાર્દિક પટેલને પ્રવાહી લેતા રહેવાની સાથે સાથે પોતાના શરીરની કાળજી લેવાની વાત કરી હતી. અમિત ચાવડાએ અધિકારીક પત્ર સંસ્થાઓ દ્વારા સમર્થનની રજૂઆતની સાથે કારોબારીમાં ઠરાવ પસાર કરવા અંગે પણ વાત કરી હતી. તો હાર્દિક પટેલ સાથે મુલાકાત બાદ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા.