એક્સપાયરી આયુર્વેદિક દવાની તપાસ તેજ, સીરપમાં કરાયો અમદાવાદની કંપનીના FSSAIનો ઉપયોગ
- આરોપી પરેશ પટેલ, પત્ની સહિત ત્રણ આરોપીઓ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર
- પરેશ પટેલ અગાઉ પણ 2008માં બોગસ તબીબ તરીકે ઝડપાયો હતો
- તંત્રને ઊંધા ચશ્મા પહેરાવવા પોતાના નામ આગળ ગેઝેટમાં 'ડોકટર' લખાવ્યું
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટની શ્રમજીવી સોસાયટીમાંથી SOG દ્વારા દરોડો કરીને એક્સપાયરી આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપી આરોપી પરેશ ચોવટિયા, તેની પત્ની સહિત ત્રણ આરોપી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે. પોલીસ તપાસમાં સીરપમાં અમદાવાદની કંપનીના FSSAI નંબરનો ઉપયોગ કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં એસ.ઓ.જી દ્વારા કરવામાં આવેલા દરોડામાં અમદાવાદની એક કંપનીના FSSAI નંબરનો ઉપયોગ સીરપની બોટલ પર થયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપી પરેશ પટેલ, તેની પત્ની મીનલબેન અને ગ્રાફિક ડિઝાઇનર પ્રિન્સ ડઢાણીયાની પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. એસ.ટી બસ પોર્ટમાં ત્રીજા માળે આવેલ ઓશો હોસ્પિટલના મેડીકલમાંથી ઉદયપુરની રસરાજ આયુર્વેદિક કંપની અને સુરતના ઓલપાડની હનીઇન્ડસ્ટ્રીઝ કંપનીની ટેબલેટો મળી આવતા તે ખરેખર કઈ રીતે મેળવી તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે. સીરપ મુદ્દે અમદાવાદની કંપનીના જવાબદાર અધિકારીઓને SOG નિવેદનો લેવા ટૂંક સમયમાં બોલાવશે.
પરેશ પટેલ 2008માં પણ બોગસ તબીબ તરીકે ઝડપાયો હતો:
પરેશ પટેલ 2007માં રાજકોટ આવ્યા બાદ આયુર્વેદિક દવાથી લોકોની કિડની સહિત ની બીમારીઓ દૂર કરવાનો દાવો કરી સારવાર આપતો હતો. 2008માં પરેશ પટેલની ભક્તિનગર પોલીસે બોગસ તબીબ તરીકે ધરપકડ કરી હતી. ડીગ્રી ન હોવાથી તેને તંત્રને ઊંધા ચશ્મા પહેરાવવા ગેઝેટમાં જ્ઞાતિ ને બદલે ડોક્ટર તરીકેનો ઉપયોગ કર્યો. 2008 થી અત્યાર સુધીમાં પરેશ પટેલે લાખો રૂપિયાની મિલકત બનાવી હોવાનું સામે આવ્યું છે. એસ.ટી.બસ પોર્ટમાં પરેશ પટેલે 13 દુકાનો લીઝ પર લઈ ઓશો હોસ્પિટલ શરૂ કર્યું હતું. જેમાં ફર્નિચર બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.