અમદાવાદઃ ગુજરાત પર સક્રિય થયેલા અપરએર સાઇક્લોનિક સકર્યુલેશનને કારણે આગામી 48 કલાકમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત પર અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન વધારે મજબૂત છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વલસાડ અને નવસારીમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા ડેમની સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સારા પાણીની આવક થઈ છે. 52,549 ક્યુસેક નવા પાણીની આવક થઈ છે. અત્યારે ડેમની સપાટી 120.92 મીટર પર પહોંચી ગઈ છે. દર કલાકે તેમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ડેમની સપાટી 121.92 મીટરે પહોંજશે ત્યારે પાવર હાઉસ ચાલુ કરાશે. ડેમમાં રહેલા પાણીના જથ્થામાંથી 6000 ક્યુસેક પાણી લોકોને આપવાનું શરૂ કરાયું છે. 


જળાશયોમાં 49 ટકા જ પાણીનો સંગ્રહ
રાજ્ય સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 70 ટકા વરસાદ થયો છે. રાજ્યના કુલ 203 જળાશયોમાં અત્યારે 2,75,018 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિનો 49 ટકા જેટલો છે. નર્મદા ડેમમાં 171409 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિનો 51 ટકા જેટલું છે. 


ગુજરાતના વિવિધ પ્રદેશોમાં આવેલા જળાશયોમાં પાણીની સ્થિતિ જોઇએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.


મહત્વનું છે કે રાજ્યમાં ચાલુ સીઝનમાં કુલ સરેરાશ 70 ટકા જેટલો વરસાદ થયો છે. જેમાં કચ્છ વિસ્તારમાં 25.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 38.62 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.99 ટકા, સૌરાષ્ટ્રમાં 69.02 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90 ટકા જેટલો સરેરાશ વરસાદ થયાનો અહેવાલ છે.