Modi Cabinet reshuffle : લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યાં છે. તેમ તેમ રાજકીય પક્ષોની હલચલ ફરી થઈ છે. રાજકીય પક્ષો ફરી એકવાર એક્ટિવ થયા છે. ત્યારે આ વચ્ચે દિલ્હી ભાજપમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. સાથે જ સીઆર પાટીલને નેશનલ સ્તરે મોટી જવાબદારી સોંપાય તેવી પણ શક્યતા છે. આ વચ્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ આ ત્રણેય મોરચે એકસાથે લશ્કર લડી રહ્યું છે. ત્યારે દિલ્હીમાં શું નવાજૂની થવાની છે તેના પર એક નજર કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં મોદી કેબિનેટનું રિશફલ થશે
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જ્યારે પણ કેબિનેટ રિશફલની વાત આવે ત્યારે કોનું પત્તુ કપાશે, અને કોણ ગેમમાં રહેશે તેના પર સૌની નજર હોય છે. આવામાં ગુજરાતના પણ મંત્રીઓને પડતા મૂકાય તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. ખાસ કરીને કેટલાક નામો પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જેમાંના બે છે મહેન્દ્ર મુજપુરા અને દેવુસિંહ ચૌહાણ. આ બે મંત્રીઓને મોદી કેબિનેટમાંથી હટાવી શકાય છે. દેવુસિંહને ભાજપ સંગઠનમાં એક્ટિવ કરાય તેવુ પ્લાનિંગ ચાલી રહ્યું છે. તો બીજી તરફ, મહેન્દ્ર મુંજપરાના બદલે ભાવનગરથી બીજા નેતાના નામની ચર્ચા મોદી કેબિનેટમાં ઉઠી છે. 


કોનુ પત્તુ કપાશે 
આ ઉપરાંત અન્ય એક ચર્ચાતુ નામ છે સુરતના દર્શના જરદોશ. રાજ્યકક્ષાના આ મંત્રીને પક્ષ વિદાય આપી શકે છે. મહેન્દ્ર મુંજપરાના બદલે ભાવનગરથી જે નામ ચર્ચાઈ રહ્યું છે તે છે ભારતી શિયાળ. તેઓને કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળી શકે છે. સાથે જ એવુ પણ કહેવાય છે કે, મુંજપુરા મંત્રી તરીકે પોતાની છાપ ઉભી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. તેથી તેમને હટાવી શકાય છે. 


આ નેતાઓની ખુરશી ખતરામાં
જો ગુજરાત ક્વોટાના મંત્રીઓને પડતા મુકાવામાં આવે છે તો મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલાના પોર્ટફોલિયોમાં પણ ચેન્જિસ આવે એવા છે. પરંતું દર્શનાબેન જરદોશની ખુરશી પર વધારે જોખમ છે. મનસુખ માંડવીયા પાસે આરોગ્ય, પુરુષોત્તમ રૂપાલા પાસે પશુપાલન અને ડેરી અને દર્શનાબેન જરદોશ પાસે રેલવે (રાજ્યમંત્રી) વિભાગ છે. મોદી કેબિનેટમાં છેલ્લા 9 વર્ષમાં 2 સ્વાસ્થ્ય મંત્રીઓને હટાવવામાં આવી ચૂક્યા છે. જો મંત્રીમંડળના ફેરબદલની વાત કરવામાં આવે તો બે મોટા માથાના નામ કપાઈ શકે છે. કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પાસેના હાલના પોર્ટફોલિયોમાં આંશિક ફેરફરો આવી શકે છે તેવી પણ આંતરિક ચર્ચાઓ શરૂ થઈ છે. 


મોદીએ મંત્રીઓ પાસેથી કામનો રિપોર્ટ માંગ્યો 
પીએમ મોદીએ સોમવારે કેબિનેટની બેઠક બોલાવી હતી, દિલ્હીના પ્રગતિ મેદાનમાં બોલાવેલી મીટિંગમાં પીએમ મોદીએ કેબિનેટના મંત્રીઓ સાથે લગભગ 4 કલાક બેઠક ચાલી હતી. સૂત્રોનો દાવો છે કે પીએમ મોદીએ નક્કી કરી લીધું કે કોને હટાવવા અને કોને રાખવા, કયા નવા ચહેરાઓને સ્થાન આપવું. કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. તમામ મંત્રીઓને તેમના કામની વિગતો આપવા જણાવ્યું હતું. એવી ચર્ચા હતી કે જે મંત્રીનું પ્રદર્શન નબળું છે તેને કેબિનેટમાંથી હટાવી શકાય છે. તેમની જગ્યાએ મંત્રીમંડળમાં નવા લોકોનો સમાવેશ થઇ શકે છે.