હિતલ પારેખ, ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી 21 જાન્યુઆરીના દિવસે મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ  ઉત્સવનો સાંજે 6:30 કલાકે શુભારંભ કરાવશે. રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સંગીત નાટક અકાદમી દ્વારા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી તા.21 અને 22 જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાઇ રહ્યો છે. પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્યદેવતાની પૂજા અર્ચના માટે જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતું હતું તેમાં ગુજરાતમાં સોલંકી રાજવી યુગમાં ઇ.સ.1026માં મોઢેરામાં આ સૂર્યમંદિર રેતીયા પથ્થર પર નિર્માણ પામેલુ છે. ત્રણ ભાગમાં નિર્મિત આ મંદિરમાં સૂર્યકુંડ, સભામંડપ અને નૃત્ય મંડપમાં રામાયણ મહાભારતના કથાનક શિલ્પો તેમજ કૃષ્ણલીલા અને સુંદર સ્ત્રી શિલ્પો કંડારવામાં આવેલા છે.  ભારતમાં કોણાર્ક, મંદસૌર, લાટપૂર અને કાશ્મીરમાં માર્તંડ સૂર્યમંદિરો સાથે ગુજરાતના આ મોઢેરા સૂર્યમંદિરનું પણ સૂર્યોપાસના માટે અદકેરૂં મહત્વ છે. ભારત સરકારના પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરાયેલા આ મોઢેરા સૂર્યમંદિરમાં ભારતીય સંસ્કૃતિ, કલા સ્થાપત્યના અજોડ વારસા સાથે નૃત્યકલાની ગુરૂશિષ્ય પરંપરા પણ આગામી ઉત્તરાર્ધ ઉત્સવ દરમ્યાન ઊજાગર થવાની છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડાસા યુવતીના અપમૃત્યુ કેસમાં છેવટે CID ને સોંપાઇ તપાસ


ઉતરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસો લાંબા થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે. મોઢેરાનું આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતી તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે.  ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં 1992થી ઉજવણી કરવામાં આવે છે. 


માતા-પિતા કરે છે રસોઈનું કામ, દીકરો હવે બદલી નાખશે તેમની આખી જિંદગી


ઉત્તરાર્ધ ઉત્સવ 2020માં આ વર્ષે પ્રથમ દિવસે તા. 21 જાન્યુઆરીએ ગૌરવ પુરસ્કૃત કલાકાર ભરત બારીયા, ગૌરવ પુરસ્કાર કલાકાર અક્ષય પટેલ અને કલાગુરૂ શીતલ બારોટની ગણેશવંદના તથા સુધા ચંદ્રન ભરતનાટયમ્, ગ્રેસી સિંહ ઓડિસી, કેવી સત્યનારાયણ કુચીપુડી બેલે, વિનિતા નંદન મોહીની અટ્ટમ તેમજ મોહેંતી ઓડિસી નૃત્યો પ્રસ્તુત કરશે. આ નૃત્યોત્સવના બીજા દિવસે ગૌરવ પુરસ્કૃત કલાગુરૂ શીતલ મકવાણાની ગણેશ વંદના, પૂર્ણિમા અશોક ભરત નાટ્યમ્, વૈશાલી ત્રિવેદી કથ્થક, જયપ્રભા મેનન મોહિની અટ્ટમ, સપના શાહ ભરત નાટયમ્, અલોકા કાનુંગો ઓડીસી અને દેવેન્દ્ર મંગલમુખી કથ્થક લખનઉ ઘરાના નૃત્ય રજૂ કરી શાસ્ત્રીય નૃત્ય કલાનું રસપાન કરાવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...