ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
સુરત જિલ્લામાં અવિરત વરસાદથી માંડવીનો કાકરાપાર ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ડેમના આહ્વાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. કાકરાપાર ડેમ સુરત તેમજ ભરૂચના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
Gujarat Heavy Rains update: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદથી નદી-નાળા અને ડેમ ઓવરફ્લો થયા છે. સુરત જિલ્લામાં અવિરત વરસાદથી માંડવીનો કાકરાપાર ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ડેમના આહ્વાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. કાકરાપાર ડેમ સુરત તેમજ ભરૂચના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ
તો વલસાડના ધરમપુર તાલુકાનો શંકર ધોધ સજીવન થયો છે. ઉપરવાસમાં સારા વરસાદથી શંકર ધોધમાં નવા નીર આવ્યા છે. શંકર ધોધ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. ધરમપુર અને કપરાડાની નદીઓ બે કાંઠે વહી રહી છે. પાર ઓરંગા, કોલક અને દમણગંગા નદીમાં પણ નવા નીર આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જંગલ વિસ્તારમાં અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા.
ડોલવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ
તાપી જિલ્લાના ડોલવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ડોલવણમાં સવારથી સાડા ચા ઈંચ જેટલો વરસાદ વરસતા નદી બે કાંઠે વહેતી થઈ. પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળ્યો હતો. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી.
ભાલ પંથકમાં ભારે વરસાદથી પાણી-પાણી
ભાવનગરના ભાલ પંથકમાં ભારે વરસાદના લીધે જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. પાણી ભરાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો છે. દેવળિયા નજીકના કોઝ પર કાળુભાર નદીના પાણી ફરી વળ્યા છે. જેથી પાળિયાદ, દેવળિયા અને રાજગઢ સહિતના ગામોનેો સંપર્ક કપાઈ ગયો છે. દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિનુ નિર્માણ થાય છે તેમ છતાં પણ તંત્ર કોઝવે ઉંચો કરવાની કોઈ કામગીરી નથી કરતું.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઉપરવાસમાં ધોધમાર વરસાદથી કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેથી આ હાલત થઈ છે. રસ્તાએ જાણે જળસમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાથી લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
ભાવનગર જિલ્લમાં રસ્તો ધોવાયો
વરસાદ શરૂ થતાં કોઝ વે તૂટવાની અને ધોવાઈ જવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે ભાવનગર જિલ્લના સિહોર તાલુકાના ભાણગઢથી પાણિયાદ અને દેવાળિયા જતો માર્ગ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. ભાણગઢ નજીક આવેલો કોઝવે ગત વર્ષે તૂટ્યો હોવા છતાં હજુ પણ રિપેર નથી કરાયો..જેના લીધે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
હાલ ચોમાસાના લીધે ભાણગઢથી રાજગઢ, પાળિયાદ, દેવાળિયા થઈ ભાલ તરફનો રસ્તો બંધ થયો છે. બંને તરફનો રસ્તો બંધ થતાં ગ્રામજનો વલભીપુરના ચમારડી ગામ સુધી ધક્કો ખાવો પડશે. ગ્રામજનોએ વારંવાર કોઝ વે ઉંચો લેવાની રજૂઆત કરી છે તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરે છે. જેથી લોકોમાં ભારે રોષ છે.
આગામી સાત દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે...દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઈ. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની પર એક નજર કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો પંચમહાલ, દાહોદ, અમેરલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રથયાત્રાના દિવસે અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી છે.