Mehsana News તેજસ દવે/મહેસાણા : શક્તિપીઠ બહુચરાજી મંદિર સંપૂર્ણ સૌર ઊર્જા સંચાલિત બન્યું છે. આ સૌર ઉર્જાથી બહુચરાજી મંદિર ટ્રસ્ટને લાખોની આવક થઈ રહી છે. મંદિર ટ્રસ્ટને બચત અને વીજ પુરવઠો જીઈબીને વેચવાથી આવક મળે છે. ત્યારે સૌર ઊર્જાના ઉપયોગ માટે બહુચરાજી મંદિર અન્ય મંદિરો માટે પ્રેરણાદાયક બન્યું છે. મહેસાણા જિલ્લાએ દેશમાં પ્રથમ સોલર વિલેજના કારણે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે, ત્યારે સોલર ક્ષેત્રે સિદ્ધિ શક્તિપીઠ બહુચરાજી મંદિરે પણ સિદ્ધી મેળવી છે. સાથે જ બચત પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના પ્રથમ એવા મોઢેરા સોલર વિલેજનું હમણાંજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું. મોઢેરા દેશનું એવું પ્રથમ ગામ છે કે જ્યાં સૂર્ય મંદિર સાથે આખું ગામ સૌર ઊર્જા ઉતપન્ન કરી વીજ પુરવઠાની બચત કરે છે. હાલની વીજળીની અછત વચ્ચે આ ગામ ઉત્તમ ઉદાહરણ આપી રહ્યું છે. ત્યારે આવું જ એક પ્રેરણાદાયી કામ બહુચરાજી મંદિરનું પણ સામે આવ્યું છે. શક્તિપીઠ બહુચરાજી સમગ્ર મંદિર સોલર રુફટોફથી સજ્જ બન્યું છે. મંદિર પરિસર સૌર ઉર્જાથી સજ્જ થતા સમગ્ર મંદિરનું લાઈટ બિલ ઝીરો થયું છે. એટલુ જ નહિ, વધારાનું વીજ ઉત્પાદન થતા તેમાંથી આવક પણ થઈ રહી છે.


યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરમાં સોલાર સિસ્ટમ ઉભી કરાઇ છે. બહુચરાજી મંદિર પરિસર, ભોજનાલય, વલ્લભ ભટ્ટ વાવ અને યાત્રિક ભવન સંપૂર્ણ સૌર ઉર્જાથી ઓપરેટ થઈ રહ્યું છે. બહુચરાજી મંદિર પરિસરમાં 50 kg, યાંત્રિક ભવનમાં 25 kg , ભોજનાલયમાં 20 kg અને વલ્લભ ભટ્ટ વાવમાં 15 kg સોલર પ્લાન્ટ ઉભો કરાયો છે.


આ વિશે મંદિરના અધિકારી પ્રકાશભાઈ ગોસ્વામીએ કહ્યું કે, હાલમાં વીજળી ઉત્પન્ન કરવા થતો અઢળક ખર્ચ અને કોલસાની અછત વચ્ચે વીજ કટોકટી સર્જાવાની ઘટનાઓ જોવા મળી રહી છે, ત્યારે કુદરતની દેણ એવા સૌર ઊર્જાના વિકલ્પથી આ સમસ્યા ચોક્કસથી નિવારી શકાય છે અને તે માટે માત્ર જરૂર છે પહેલની. બસ આજ બાબતે પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોલર રુફટોપ લગાવી બચત સાથે આવક મેળવી છે. અન્ય સામાજિક સંસ્થાઓ તેમજ દેવસ્થાનો માટે પ્રેરણાદાયી પહેલ પણ કરી છે. હાલમાં મંદિર હસ્તકના બહુચરાજી મંદિર, વલ્લભ ભટ્ટ વાવ, યાંત્રિક ભવન તેમજ ભોજનાલય પર 105 KG વોટ ધરાવતી સોલર રુફટોપ સિસ્ટમ ઉભી કરી સમગ્ર સંચાલન હાથ ધર્યું છે. આ પ્રયાસથી વર્ષે 5 થી 7 લાખ વીજ ખર્ચની બચત પણ થઈ રહી છે.