2022 વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહેસાણામાં ભાજપના નેતાઓની બેઠકોનો ધમધમાટ
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીઓને લઈને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ગુજરાતની રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણામાં પણ ભાજપ ઘ્વારા ચૂંટણી પૂર્વેજ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
તેજસ દવે, મહેસાણાઃ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીઓને લઈને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ગુજરાતની રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણામાં પણ ભાજપ ઘ્વારા ચૂંટણી પૂર્વેજ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીને હવે દોઢ વર્ષ જેટલો સમય બાકી હોવાથી ભાજપ દ્વારા સત્તા જાળવી રાખવા સ્થાનિક નેતાઓ સાથે બેઠકોનો દોર શરુ કર્યો છે. દેશને મહેસાણા જીલ્લાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહીત અનેક નેતાઓ આપ્યા છે. તેથી રાજકીય દ્રષ્ટીએ મહેસાણા જિલ્લાનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે ચૂંટણી ના પૂર્વેજ સત્તા જાળવી રાખવા ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રભારી મંત્રીઓ ને સંબધિત વિભાગોના પ્રશ્નો સંભાળવા જિલ્લાઓ નો પ્રવાસ કરવા કહ્યું છે. જેને પગલે છેલ્લા 2 દિવસમાં સરકારના 2 મંત્રીઓ મહેસાણા જિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયા આ બન્ને કેબિનેટ કક્ષાના મંત્રીઓ મહેસાણાની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે બેઠક પેહલા જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો સાથે મંત્રીઓ એ બેઠક યોજી હતી.
પ્રવાસન મંત્રી જવાહર ચાવડા 5 જુલાઈ સોમવારે મેહસાણાના પ્રવાસે હતા અને ઊંઝા ઉમિયાધામ ખાતેમાં ઉમિયા ના દર્શન કરી જીલ્લા કાર્યાલય ખાતે દોઢ કલાક ભાજપ ના ધારાસભ્યો અને સાંસદો સાથે સમીક્ષા બેઠક બાદ કલેકટર કચેરી ખાતે વિભાગ ની સમીક્ષા કરી હતી. આજ રીતે પુરવઠા મંત્રી જયેશ રાદડિયા 6 જુલાઈ મંગળવારે મેહસાણાની મુલાકાતે આવ્યા અને સૌ પ્રથમ ભાજપ જીલ્લા કાર્યાલય ખાતે ધારાસભ્યો સહીત સાંસદો જોડે દોઢ કલાક સમીક્ષા બેઠક કરી 1 કલાક કલેકટર કચેરી ખાતે વિભાગ ના કામો અને પ્રશ્નો ની સમીક્ષા કરી હતી.
બંને મંત્રીઓ દ્વારા પોતાના વિભાગોની સમીક્ષા કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ પ્રસાસન પહેલા ભાજપ કાર્યાલય ખાતે બેઠકો કરી આવનારી વિધાનસભા ચૂંટણી ની તૈયારીઓ આરંભી દીધી હોવાનું મનાઈ રહ્યું છે. આમ તો મેહસાણા જીલ્લો એ ભાજપનો ગઢ ગણાય છે અને મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજ નું પણ પ્રભુત્વ છે એટલે જીલ્લા કાર્યાલય ખાતે મળેલી સમીક્ષા બેઠકોથી હાલમાં તો ભાજપ આવનારી વિધાનસભા ચૂંટણીમાં સત્તા જાળવી રાખવા રણનીતિ તૈયાર કરી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.