• મહેસાણા જીલ્લા ના પર્યાવરણ પ્રેમી ઉદ્યોગપતિએ પોતાની માલિકીની જમીન પર નંદીવન બનાવ્યું 

  • જીલ્લા અને તાલુકામાં રખડતા નંદી-આખલાને નંદી વનમાં સાચવવામા આવશે, જેથી તે જોખમી ન બને 

  • માનવ જીંદગી બચાવવા દરેક શહેરોમાં આ રીતે નંદીવન બનાવવાની સરકાર પાસે તેમણે માંગણી કરી 


તેજસ દવે/મહેસાણા :ગુજરાતભરમાં રખડતા પશુઓનો અસહ્ય ત્રાસ છે અને રખડતા પશુઓના કારણે ક્યારેક માનવ જિંદગી હોમાઈ જવાની ઘટનાઓ પણ વારંવાર બને છે. આ રખડતા પશુઓમાં સૌથી વધુ ખતરનાક આખલા-સાંઢ તરીકે જાણીતા નંદી છે. દેખાવે અતિ ડરામણ અને તાકાતવર હોવાથી શહેરમાં તેમનો સામનો કોઈ કરી શકતું નથી અને તેના કારણે રસ્તે રઝળતા નંદીથી બચાવ કરવો મુશ્કેલ હોય છે. જેથી તેઓ કોઈના પર પણ હુમલો કરી દે છે. આ સ્થિતિમાં મહેસાણા જિલ્લાના પર્યાવરણ પ્રેમી એવા ઉદ્યોગપતિએ પોતાના જ શહેરથી નંદીવનની શરૂઆત કરી છે. તેમજ સરકાર પાસે જિલ્લા અને તાલુકા સ્તરે નંદીવન બનાવવાની માંગણી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં જાહેર રોડ ઉપર મોત બનીને ફરતા રખડતા પશુઓ માટે ગુજરાત સરકારનું કોઈ પણ તંત્ર અત્યાર સુધી ગંભીર બન્યું નથી. સરકારી તંત્રની ઉદાસીનતાના કારણે ગુજરાતભરના તમામ શહેરમાં રખડતા પશુઓની સંખ્યા કદાચ લાખ્ખોમાં હશે. રખડતા પશુઓમાં સૌથી વધુ ગાય જોવા મળે છે. તો વળી સૌથી વધુ ખતરનાક આખલા એવા સાંઢ જોવા મળે છે. ભગવાન શિવ જેની ઉપર સવાર થાય છે એ નંદી શહેરમાં જાહેર માર્ગો ઉપર મોત બનીને ફરી રહ્યા છે. આખલા અને સાંઢ તરીકે જાણીતા નંદી જાહેર રસ્તા ઉપર લડે છે ત્યારે માનવ જીંદગી જોખમમાં મુકાય છે અને ક્યારેક બે નંદી એવા આખલાની લડાઈમાં માણસને જીવ ગુમાવવાનો વારો આવે છે. આમ,અતિ મહાકાય અને ડરામણ લાગતા આખલા એવા નંદી વચ્ચે લડાઈ થાય ત્યારે વાતાવરણ અતિ ડરામણું લાગે છે અને રસ્તા ઉપર જતા રાહદારી આખલાથી પોતાનો બચાવ કરી શકતા નથી. શહેરોમાં જાહેર રોડ ઉપર રખડતા આ મહાકાય નંદીઓનું કોઈ માલિક હોતું નથી અને તેના કારણે તેનો ઉપદ્રવ શહેરોમાં યથાવત જોવા મળે છે અને અસંખ્ય લોકો અકસ્માતનો ભોગ બને છે અને ક્યારેક માણસ જીંદગી પણ ગુમાવી દે છે. આ સંજોગોમાં મહેસાણા જિલ્લાના જાણીતા પર્યાવરણ પ્રેમી, ઉદ્યોગપતિ અને ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે શહેરમાં નંદી માટે ગુજરાતમાં નંદીવન બનાવવાની સરકાર પાસે માંગણી કરી છે. આ માટે તેમણે સ્વયં પોતાના જ ઘરેથી નંદીવન બનાવી નંદીની જાળવણી કરવાની શરૂઆત કરી છે.



ગુજરાત સરકાર તરફથી ગ્રીન એમ્બેસેડરનું બિરુદ મેળવનાર મહેસાણા જીલ્લાના ઉદ્યોગપતિ જીતુભાઈ પટેલે રખડતાં આખલા માટે સરકાર પાસે નંદીવન ઉભા કરવાની માંગ કરી છે. જોકે એમણે પોતાના જ ઘરેથી નંદીવન બનાવવાની શરૂઆત કરી છે. પોતાના માલિકીની પાંચ એકર જમીનમાં નંદીવન ઉભું કરી દીધું છે. આ નંદીવનમાં તેમણે રસ્તે રઝળતા પાંચ જેટલા નંદીને સાચવ્યા છે. આ રીતે ગુજરાત સરકાર પણ શહેરોમાં મોત બનીને ફરતા નંદી માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ નંદીવન ઉભું કરી જાહેર માર્ગો ઉપર રખડતા નંદીઓની જાળવણી કરે તો માનવ જીંદગી જોખમ મુકાતી બંધ થઇ શકે છે.