મહેસાણામાં કોરોના વોરિયર્સ સફાઈ કર્મીનું નિધન, પરિવાર કરી રહ્યો છે સહાયની માગ
કોરોના કાળમાં લોકોની સેવા કરતા કરતા મહેસાણાના એક 23 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે તેમનો પરિવાર સરકાર પાસે મદદની આશ રાખી રહ્યો છે.
તેજસ દવે, મહેસાણાઃ કોરોનાની બીજી લહેર પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ રહી છે. હવે મોટી ઉંમરના લોકો જ નહીં પણ યુવાનોને પણ આ કાળમુખો કોરોના ભરખી રહ્યો છે. આવો જ એક કિસ્સો ગુજરાતના મહેસાણા જિલ્લામાં બન્યો છે. જ્યાં આ જીવલેણ વાયરસે એક યુવાનને પોતાનો શિકાર બનાવ્યો છે. હાલ યુવાનના મોત બાદ તેમનો પરિવાર સરકાર પાસે સહાયની આશ લગાવીને બેઠો છે.
મહેસાણા જિલ્લા લાયન્સ હોસ્પિટલમાં સફાઇ કામગીરી કરતાં 23 વર્ષીય કામદાર અલ્પેશભાઈનું કોરોનાના સંક્રમણને કારણે અવસાન થયું છે. તેઓ છેલ્લાં એક મહિનાથી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં. છેલ્લે શ્વાલ સેવામાં વધારે તકલીફ થતાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. અલ્પેશ આ પરિવારનો એક નો એક દિકરો હતો. તે ઉપરાંત પરિવારમાં બે દિકરીઓ પણ છે. જેમની જવાબદારી હવે ઘરડા માતા-પિતાના શિરે આવી ગઈ છે.
એટલું જ નહીં મૃતક અલ્પેશની પત્ની પણ ગર્ભવતી છે. તેના ગર્ભમાં રહેલાં બાળકનાં ભરણ-પોષણનું શું? આવા અનેક પ્રશ્નો સાથે અલ્પેશના પિતા અશોકભાઈ સરકાર પાસે મદદની આશ લગાવી રહ્યાં છે.
હાલમાં તો સરકારે કોરોના વોરિયસનું બીરુદ સફાઈ કર્મીને આપ્યું છે. આ કોરોના વોરિયર્સના પરિવાર આજે ભારે શોકમાં છે. પરિવારનો એક નો એક કમાનાર વ્યક્તિ મહેસાણાની લાઇન્સ હોસ્પિટલમાં કરોના વોર્ડમાં સફાઈ કામ કરતો હતો. આ દરમિયાન અલ્પેશે કોરોનાના અનેક દર્દીઓની સેવા કરી. જોકે, વિધિનિ વક્રતા કહો કે કરમની કઠિનાઈ આખરે એ કાળમુખો કોરોના અલ્પેશને પણ ભરખી ગયો. અને આ પરિવાર જાણે એક પળવારમાં નિરાધાર થઈ ગયો.
આ પરિવાર હાલ દુઃખી છે. અને આ દુઃખી પરિવારનું કહેવું છેકે, એક તરફ સરકાર સહાયની મોટી વાતો કરે છે પણ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી છે. સફાઈકર્મીઓ પોતાનો જીવ જોખમમાં મુકીને કોરોના કાળમાં હોસ્પિટલોમાં પણ સફાઈનું કામ કરે છે. જોકે, સરકારે આવા લોકો માટે હવે વિચારવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube