ઝી બ્યૂરો, મહેસાણાઃ દિવાળીના પર્વમાં એક તરફ સૌ કોઈ તહેવારની ઉજવણી કરી રહ્યું છે. દિપ પ્રગટાવીને અજવાળું કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ તંત્રને વાંકે ખેડૂતોના જીવનમાં અંધારું થયું છે. ખેડૂતના મોંઢે આવેલો અનાજનો કોળિયો છીનવાયો એવા ઘાટ ઘડાયા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાની રંગપુરડા સીમમાં નર્મદા નહેરનું પાણી ડાંગરમાં ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડીના કરણનગરથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની મુખ્ય નહેરનું પાણી રંગપુરડા ગામની સીમમાં 10 વીઘા જમીનમાં વાવેલ ડાંગરના ઉભા પાકમાં ફરી વળ્યા હતા. મોંઢા સુધી આવેલો અનાજનો કોળિયો નહેર વિભાગની બેદરકારીના કારણે છીનવાઈ જતાં મોંઘવારીના માર વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની હતી. સોમવારે ખેડૂતોએ સૌરાષ્ટ્ર નર્મદા નહેર વિભાગમાં વળતર અંગે રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓએ લાભપાંચમ પછી પાણી નિકાલ સહિતની કામગીરીનો વાયદો કરતાં ખેડૂતો રોષે ભરાયા હતા.


સૌરાષ્ટ્ર નહેર વિભાગ દ્વારા બોરીસણા નજીક બનાવેલ પાવર હાઉસ પાસે માટીકામ દરમિયાન પાણી નિકાલ માટે બનાવેલી માઈનોર કેનાલ પુરાઈ સૌરાષ્ટ્ર તરફની મુખ્ય નહેરના પાણીની સપાટીમાં વધારો કરતાં નહેરમાં લીકેજ, ઓવરફ્લો પાણી છેલ્લા બે દિવસથી રંગપુરડા ગામની સીમમાં 10 વીઘા જમીનમાં ભરાઈ ગયા હતા. ખેડૂતોએ સોમવારે નર્મદાની સૌરાષ્ટ્ર નહેર વિભાગ કચેરીમાં વળતર માટે રજૂઆત કરી હતી. પરંતુ હાજર અધિકારી કિશનભાઈ પ્રજાપતિએ ખેતરોમાં ભરાયેલ પાણી અંગેની સમસ્યાનું સ્થળ નિરીક્ષણ કર્યા બાદ જ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.