જો તમે રોજ લાખો રૂપિયા લઈને નીકળતા હોય તો સાવધાન, તમારી સાથે પણ આવુ બની શકે છે
Mehsana News : મહેસાણામાં 68 લાખની રોકડ લૂંટને અંજામ... વેપારીની ગાડી આંતરીને માર મારી ચલાવી હતી લૂંટ... જાણ ભેદુએ જ બનાવ્યો હતો લૂંટનો પ્લાન... આખરે પકડાયો
તેજસ દવે/મહેસાણા :જો તમે રોજ લાખો રૂપિયા લઈને એક સ્થળેથી બીજા સ્થળે જાવ છો તો સાવધાન થઈ જાઓ. શક્ય છે કે તમારી આ રોજિંદી ગતિવિધિ ઉપર કોઈ નજર રાખી રહ્યું હોય અને તમે રૂપિયા લઈને નીકળો અને લૂંટાઈ જાઓ. આવું જ કંઈક હારીજના કપાસના વેપારી સાથે બન્યું. રોજ કડીથી હારીજ લાખો રૂપિયા લઈને આવતા વેપારીને તેની જ બાજુની ફેકટરીમાં કામ કરતા એક વ્યક્તિએ ટોળકી બનાવી લૂંટી લીધો. બહુચરાજી અને મહેસાણા એલસીબી પોલીસે આ ગુનામાં સંડોવાયેલી ટોળકીને પકડી લઈ લૂંટનો ભેદ ઉકેલી નાંખ્યો છે. તો 68 લાખની લૂંટ પૈકી 51.35 લાખ રૂપિયા રિકવર કરવામાં પણ પોલીસને સફળતા મળી છે. કેવી રીતે અપાયો હતો આ લૂંટની ઘટનાને અંજામ અને કોણ છે કપાસના વેપારીની લૂંટના આરોપી જોઈએ.
રાજુ ભરવાડ અને મહેશજી ઠાકોર નામના આ બે આરોપીએ પોતાની ટોળકી સાથે મળી 68 લાખની રોકડની લૂંટને અંજામ આપ્યો છે. નીતિન ઠક્કર નામના કપાસના વેપારીને લૂંટી લેનાર આ ટોળકીને પોલીસે પકડી લીધી છે. આ લૂંટના બનાવનો માસ્ટર માઈન્ડ રાજુ ભરવાડ છે. રાજુ ભરવાડ નીતિન ઠક્કરની બાજુમાં આવેલી ફેકટરીમાં કામ કરે છે. તેને નીતિનભાઈ ઠક્કર કડીથી મોટી રકમ લઈને આવતા હોવાની જાણ હતી. રાજુ ભરવાડે પોતાની ટોળકી સાથે મળી નીતિનભાઈ ઠક્કરને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો અને બહુચરાજી હારીજ હાઇવે ઉપર આ બનાવને અંજામ આપવામાં પણ સફળ રહ્યા. જો કે પોલીસની ઝીણવટભરી તપાસમાં આ લૂંટનો માસ્ટર માઈન્ડ રાજુ ભરવાડ હોવાનો ખુલાસો થયો અને ત્યારબાદ માત્ર 25 દિવસના અંતરાલમાં જ આરોપીઓને ઝડપી લઈ 51.35 લાખ જેટલી રોકડ કબ્જે કરવામાં પણ પોલીસને સફળતા મળી છે.
આ પણ વાંચો : 2017માં અમે જીતથી ચૂકી ગયા હતા, આ વખતે ઉમેદવારની પસંદગીમાં ભૂલ નહી થાય : ગેહલોત
ગત તારીખ 19 ઓક્ટોબરના રોજ હારીજ ખાતે કાળા કપાસનો વ્યવસાય કરતા નીતિનભાઈ ઠક્કર કડીથી રોકડ રકમ સાથે પરત હારીજ આવી રહ્યા હતા. ત્યારે આ ઘટના ઘટી હતી. 19 ઓક્ટોબરના રોજ નીતિનભાઈ ઠક્કર પોતાની કારમાં 68 લાખ રૂપિયા રોકડ લઈને હારીજ આવી રહ્યા હતા, ત્યારે રાજુ ભરવાડે આપેલી ટિપના આધારે 7 શખ્સોએ નીતિનભાઈની કારને આંતરીને ગાડીના કાચ તોડી નાંખ્યા હતા. આ લોકોએ નીતિનભાઈને માર મારી રોકડ લૂંટી લીધી હતી. આ મામલે બહુચરાજી પોલીસ અને મહેસાણા એલસીબી પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ સુધી પહોંચવા ટેક્નિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. જેમાં આ લૂંટનો માસ્ટર માઈન્ડ રાજુ ભરવાડ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે એક પછી આ કેસમાં અગાઉ ત્રણ અને હાલમાં બે આરોપીને ઝડપી જેલના હવાલે કર્યા છે. તો 51.35 લાખની લૂંટમાં ગયેલ રોકડ પણ પરત મેળવવામાં સફળતા મળી છે.
પકડાયેલ આરોપી
- રાજુભાઇ ભરવાડ
- મહેશજી ઠાકોર
- નિતીનજી ઠાકોર
- પ્રધાનજી ઠાકોર
- જગતસિંહ વાઘેલા
- વોન્ટેડ આરોપી
- રાહુલજી ઠાકોર
- વિરુ કુંવરસંગ ઠાકોર
બહુચરાજી નજીક લૂંટની આ ઘટનામાં પોલીસને શરૂઆતથી જ કોઈ જાણ ભેદુ હોવાની શંકા હતી. આ શંકાના આધારે તપાસ કરતા રાજુ ભરવાડનું વર્તન શંકાસ્પદ લાગતા તેની પૂછપરછમાં આખી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જો કે હજુ આ કેસમાં બે આરોપીની ધરપકડ બાકી છે.