Mehsana News તેજસ દવે/મહેસાણા : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માવઠા થઇ રહ્યા છે. ડિસેમ્બરથી સતત માવઠા ચાલુ છે. ભર શિયાળે પણ માવઠું થયું, ને હવે ઉનાળામાં પણ માવઠું થયું. માવઠામાં વરસતા કમોસમી વરસાદને લઇ હાલ જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. મેહસાણાના એક નાના ખેડૂત પરિવારની હાલ માવઠાથી માઠી દશા બેસી છે. જેમનો મુખ્ય આવકનો સ્ત્રોત જ માત્ર ખેતી છે અને આ ગરીબ પરિવાર ખેતી કરી પોતાનું પેટીયું રળે છે, ત્યારે છેલ્લાં કેટલાક સમયથી સર્જાતા માવઠાના કારણે આ પરિવાર ભારે મુશ્કેલીમાં મૂકાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા જિલ્લાના તળેટી ગામમાં ખેડૂત ફતાજી ઠાકોરનો પરિવાર રહે છે. ફતાજી ઠાકોરના પરિવારની વાત કરીએ તો ફતાજી ઠાકોરનો પરિવાર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાણે જગતના તાત પર કુદરત રૂઠી હોય તેમ માવઠા, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવી રહી છે. ખેડૂતના મહામુલા પાક બગડી રહ્યા છે. ફતાજીની વાત કરીએ તો, ફતાજી ઠાકોરે ગઈ સીઝનમાં ઘઉં અને અજમાનું વાવેતર કર્યું હતું, તેમાં માવઠું સર્જાતા ઘઉંના પાકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આમ વર્ષે તેમની ખેતીમાં 50 મણ ઘઉંનું ઉત્પાદન થતું હતું, પણ આ વર્ષે માવઠું થતા માત્ર 22 મણ જ ઘઉં પાક્યા. જેથી આ ખેડૂત પરિવારની આવકમાં ઘટાડો થયો. જેથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. 


ગુજરાતમાં આ શું થવા બેઠું છે... હાર્ટએટેકથી ગુજરાતમાં એક બાદ એક 3 યુવાઓના મોત


ફતાજી ઠાકોરના પરિવારમાં કુલ ૮ સભ્યો છે અને આ આખો પરિવાર સાથે મળી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. શિયાળુ વાવેતરમાં ઘઉંનો પાક ઓછો ઉતર્યો અને તેમાં પણ ડાઘી પડી જવાથી પૂરતા ભાવ પણ ન મળ્યા. તેમ છતાં આ પરિવાર હિંમત ન હાર્યો અને બાજરી જુવારનું ઉનાળુ વાવેતર કર્યું. પણ જાણે કુદરત આ પરિવાર પર જ રૂઠી હોય તેમ જુવાર વાઢીને મૂકી હતી અને ફરી માવઠું થયું. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો અને બાજરી અને જુવારના પાકને મોટું નુકશાન થયું.


લગ્નમાં દાંડિયારાસ રમ્યા બાદ યુવાનનું મૃત્યુ, ગુજરાતમાં હાર્ટએટેકથી 23 મું મોત


હાલ તો આ પરિવાર બગડેલા અને પલળેલા પાકને સુકવી જે ઉત્પાદન નીકળે તેના માટે મથવા લાગ્યો છે, જે થોડી ઘણી આવક મળે. માવઠાના કારણે આ પરિવાર એવી મુશ્કેલીમાં મુકાયો છે કે, ઘરમાં આ વર્ષે દીકરાના લગ્નનો પ્રસંગ કરવાનો હતો. પરંતુ ખેતીમાં સતત નુકશાન આવતા આ પરિવાર આર્થીક મુશ્કેલીમાં મુકાઈ ગયો અને પ્રસંગ પણ બંધ રાખવાનો વારો આવ્યો. 


આ કમોસમી વરસાદને કારણે હાલ ફતાજી ઠાકોરના પરિવારની દયનીય સ્થિતિ જોવા મળી છે. પરિવારના બાળકો ને શિક્ષણ આપવું, ઘરખર્ચ કરાવવાની સાથે સાથે દીકરાઓને લગ્ન કરાવવામાં પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ પરિવારના પાસે આવકનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી પોતના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ એક મોટો સવાલ ઉભો થયો છે.


કમોસમી વરસાદે ગોંડલના ખેડૂતોને કંગાળ કર્યાં, ઉનાળામાં વાવેલી ડુંગળી સડી ગઈ