તેજશ દવે/મહેસાણા :ગુજરાતમાં એક પછી એક બાળકોને ત્યજી દેવાના કિસ્સા વધી રહ્યા છે, ગુજરાતના કોઈને કોઈ શહેરમા રોજેરોજ બાળકોને ત્યજી દેવાની ઘટના બની રહી છે. આ કિસ્સા ગુજરાતની છબી પર લાંછનરૂપ છે. ત્યારે મહેસાણામાં એક સાથે બે બાળકોને ત્યજી દેવાયા છે. જિલ્લામાં એક 5 વર્ષનું બાળક અને 2 વર્ષની બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા જિલ્લામાં બે બાળકો ત્યજી દેવાની ઘટનાઓ સામે આવી છે. વિજાપુરના કુકરવાડા ગામ નજીક 5 વર્ષના બાળકને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એકલું મુકી દેવાયું છે. તો ઉનાવાના મીરા દાતાર દરગાહ નજીક 2 વર્ષની બાળકીને તરછોડી દેવાઈ છે. બંને અલગ અલગ ઘટનામાં બાળકોને ત્યજી દેનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. 


ગુજરાતમાં વધી રહેલી ઘટનાઓ સવાલ ઉઠાવી રહી છે કે, આખરે કોણ આવા કુમળા માસુમની જિંદગી સાથે રમત રમે છે. આખરે કેમ આવા માસુમોને રસ્તે રઝળતા છોડી દેવાય છે. બાળકો માટે આ પ્રકારની ગુનાહિત વૃત્તિ આચરતા કોઈનો જીવ કેવી રીતે ચાલે છે. ગુજરાતમાં ભ્રૂણ મળી આવવાના, નવજાત મળી આવવાના કિસ્સા પણ વધી રહ્યાં છે, જે બતાવે છે કે ગુજરાતની જનતા ધીરે ધીરે નિર્દયી બની રહી છે. પરંતુ બીજી તરફ એવા પણ લોકો છે જે માસુમ બાળકોને દત્તક લેવા તૈયાર છે.