તેજસ દવે/મહેસાણા: ભારતમાં અનેક વસ્તુઓ ડુપ્લિકેટ બનતી હોવાની માહિતી પ્રાપ્ત થતી હોય છે. પરંતુ ખાસ ખાદ્ય પદાર્થોમાં ડુપ્લીકેટ બનાવવું અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ ખૂબ ગંભીર બાબત ગણી શકાય છે, ત્યારે આજે મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ઊંઝાના કામલી પાસે શંકાસ્પદ ડુપ્લિકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુપ્લિકેટ જીરું બનાવવા માટે કેટલાક કેમિકલ, ગોળ તેમજ અન્ય પદાર્થો પણ સ્થળ ઉપર મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. જે સ્વાથ્ય સાથે નુકશાન પહોંચાડી શકે તેવા પદાર્થો ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવી રહ્યું છે. વેસ્ટ વરિયાળી નાની સાઈઝનું કટીંગ અને આ કેમિકલો દ્વારા આ ડુપ્લીકેટ જીરૂ બનતું હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. 


ઊંઝાની આજુબાજુ અનેક આવી ફેક્ટરીઓ છે અને ફેક્ટરીઓ ધમધમી રહી છે, જ્યાં અનેકવાર આવું ડુપ્લિકેટ જીરું બનાવતી હોવાની માહિતી મળી રહી છે અને ફેક્ટરીઓ ઝડપાઈ પણ છે. તેમ છતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રહેમ નજર હેઠળ આજે વધુ એક ડુપ્લિકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. 


મહેસાણા SOGએ બાતમીના આધારે કામલી પાસે એક ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ જીરુ બનતું હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. આ રેડ દરમિયાન મોટી માત્રામાં ડુપ્લિકેટ જીરું, તેમજ કેમિકલ, ગોળનું પાણી તેમજ અન્ય પદાર્થો મળી આવ્યા છે. મહેસાણા SOG એ ઘટના સ્થળે પહોંચી ફૂડ વિભાગને જાણ કરતાં ફૂડ વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યુ છે. 


હાલમાં ડુપ્લિકેટ જીરું બનાવતા લોકો ભાગી જવામાં સફળ થયા છે. ત્યારે સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આવી ફેક્ટરીઓ સામે ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો પણ ઊભા થયા છે. ફૂડ વિભાગ ધ્વારા દરેક મટીરીયલ ના સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


જુઓ આ પણ વીડિયો:-