તેજસ દવે/મહેસાણા: ગુજરાતની કઈ-કઈ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારી બાબુઓ અને એજન્ટોનું રાજ ચાલી રહ્યું છે તેના પુરાવા સાથે ZEE 24 કલાક તમને બતાવી રહ્યું છે સ્ટિંગ ઓપરેશન. ગુજરાતમાં ભ્રષ્ટાચારની ગંગા એવી વહી રહી છે કે, ભ્રષ્ટ અધિકારીઓ અને તેમના માટે કામ કરતા એજન્ટો વિધવા સહાયના કામમાં પણ કટકી કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જ બાબુઓને રાજ્ય સરકાર જ્યારે સેવાસેતુ કાર્યક્રમમાં મોકલે ત્યારે જનતાનું દરેક કામ ઊભાં ઊભાં થઈ જાય છે પરંતુ સેવાસેતુ પૂરો થાય ત્યાં જ સેવાનું કામ પણ પૂરું થઈ જાય છે. એ જ બાબુઓ સરકારી કચેરીમાં કામ કરવા બેસે ત્યારે લાંચ સ્વરૂપે ભોગ ધરાવવા સિવાય કામ કરાવવું લોઢાના ચણા ચાવવા સમાન બની જાય છે. તેમનાથી ત્રસ્ત થઈને આખરે લાચાર અરજદારો એજન્ટોના શરણે જાય છે અને પછી શરૂ થાય છે ભાગ-બટાઈનો ખેલ.


  • મહેસાણામાં ધોળા દિવસે એજન્ટો ચલાવી રહ્યા છે લૂંટ

  • સરકારી કચેરીઓમાં જ એજન્ટો કરી રહ્યા છે કામ

  • અલગ અલગ કામના, અલગ અલગ ચાલે છે ભાવ


મહેસાણામાં ધોળા દિવસે એજન્ટો ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં જ એજન્ટોએ લૂંટની દુકાન ખોલી છે. તેઓ અલગ અલગ સરકારી કામના અલગ અલગ ભાવ ચાલે છે. ઊંઝા મામલદાર કચેરી બહાર એજન્ટોએ રીતસરનો અડ્ડો જમાવ્યો છે. તો વીડિયોમાં જુઓ કેવી રીતે ચાલે છે ગરીબોને લૂંટવાનું ષડયંત્ર? સરકારી કચેરીમાં ગરીબોની સેવાના નામે લૂંટનો ષડયંત્ર ચાલે છે. એજન્ટે પૈસા આપો તો સાહેબ તરત સહી કરી આપશે. રૂપિયા વગર કામ કરાવવા જાઓ તો  ધક્કા ખાવા પડે છે. સરકારી કામ કરાવવા માટે ગરીબો એજન્ટોના સહારે છે. વિધવાઓના રૂપિયા પણ ભ્રષ્ટ એજન્ટો ચાઉં કરી  જાય છે. 


સરકારી કચેરીમાં કોઈ કામ કરાવવું હોય તો 2થી 3 ધક્કા ખાવા છતાં પણ કામ થતું નથી. આમ જનતાને વારંવાર ધક્કા ખવડાવીને થકવી દેવામાં આવે છે. બસ અહીંથી જ શરૂ થાય છે એજન્ટો અને ભ્રષ્ટ અધિકારીઓનો ખેલ. આ દ્રશ્યો છે મહેસાણાની ઊંઝા મામલતદાર કચેરીનાં. જ્યાં મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ એજન્ટ ટેબલ લગાવીને બેઠો છે. જનતા બિચારી કોઈ પણ કામ કરાવવા જાય તો ડોક્યુમેન્ટ શું જોઈએ એના પહેલાં તો ખર્ચ કેટલો થશે તેની બોલી લગાવે છે આ એજન્ટો. વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો એજન્ટ રાજનો પર્દાફાશ કરતું આ સ્ટિંગ ઓપરેશન...



ઊંઝા મામલતદાર કચેરી
જોયું ને તમે? રેશન કાર્ડ કઢાવવું હોય તો હજાર રૂપિયાનો ખર્ચ થશે. કોઈ લાઈન નહીં નડે, કોઈ ધક્કા નહીં ખાવા પડે. એક હજાર રૂપિયા આપો અને રાશન કાર્ડ લઈ જાઓ,, પરંતુ આ માત્ર રાશન કાર્ડ પૂરતું જ નથી. હવે જુઓ વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે પણ કેવી રીતે મજબૂર લોકોનાં ખિસ્સાં કપાય છે આ સરકારી કચેરીઓમાં.


મોંઘવારીના આ જમાનામાં ગરીબ પ્રજા માટે સરકારની યોજનાઓ જ મોટો સહારો છે અને સરકાર જ તેમના માટે માઈ બાપ છે, પરંતુ ભ્રષ્ટ સરકારી બાબુઓ અને તેમના માટે કામ કરતા આ એજન્ટોએ ગરીબોને લૂંટવા માટે એવી જાળ બિછાવી છે કે એમાં ફસાવા સિવાય ગરીબનું કામ થતું નથી. જો કોઈ અરજદાર નિયમોની દુહાઈ આપીને પૈસા વગર કામ કરાવવા જાય તો યોજનાની મુદત પૂરી થવાની ગેરંટી છે પરંતુ ગરીબનું કામ પૂરું નહીં થાય. 


કેમ કે, આ સરકારી કચેરીઓ ગરીબોની સેવા માટે, પોતાના માટે મેવા ચાલી રહી છે. જે કામ માટે જનતાને ચપ્પલ ઘસવાં પડે છે એ જ કામ જો આ એજન્ટોને પૈસા આપીને કરાવવામાં આવે તો કલાકોમાં કામ પૂરું થઈ જાય છે. જે કામના પૈસા આપ્યા હોય એ કામની ફાઈલ પર સરકારી કચેરીમાં બેઠા સાહેબ પણ ચપટીમાં સહી કરી નાખે છે. સવાલ એ થાય કે શું આવી રીતે ગરીબોને લૂંટવાના કામને જ સુશાસન કહેવાય છે?