ઝી ન્યૂઝ/મહેસાણા: સામાન્ય રીતે લોકોના રસોડાની રોજિંદી વસ્તુઓ એટલે શાકભાજી છે. ગરીબ કે તવંગર દરેકના ભોજનમાં લીલા શાકભાજીનો સમાવેશ થતો હોય છે. ત્યારે હવે મહેસાણાની દૂધસાગર ડેરી અમૂલ બ્રાન્ડ સાથે શાકભાજીનું વેચાણ કરશે. સાંભળીને ઝાટકો લાગ્યો ને... પરંતુ વાત એકદમ  સાચી છે. દૂધસાગર ડેરી હવે લોકોને ઘર આંગણે શાકભાજી પહોંચાડશે. જાણવા મળી રહ્યું છે કે ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી સમયમાં મિલ્ક સિટી તરીકે ઓળખાતા મહેસાણા (Mehsana) માં દૂધ સાગર ડેરી ખેડૂતો પાસે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરાવશે. અને તેમની પાસે ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરાવશે. અને આ ઓર્ગેનિક શાકભાજી ડેરી ખરીદી ને બજારમાં મૂકશે. જેથી લોકોને પણ ઓર્ગેનિક શાકભાજી મળી શકે. ડેરી દ્વારા અમૂલ બ્રાન્ડિંગ સાથે “ડેરી ફ્રેશ” નામની બ્રાન્ડ સાથે શાકભાજી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવશે. આમ એક નવો વિચાર અને નવતર પ્રયોગ ડેરી દ્વારા કરવામાં આવનાર છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.


પ્રાકૃતિક શાકભાજીના વાવેતર માટે ખેડૂતોને ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. આગામી એકાદ માસ બાદ ડેરી ફ્રેશ ના બ્રાંડિંગ સાથે પ્રાકૃતિક શાકભાજી બજારમાં મૂકવામાં આવશે. જેની તૈયારીના ભાગ રૂપે અમુલનું ડેલિગેશન છેલ્લા ત્રણ માસથી દૂધ સાગર ડેરીની મુલાકાત લઈ રહ્યું છે. અને ખેડૂતો કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરીને આવક બમણી કરી શકે તેના માટે ડેરીના ચેરમેન, અધિકારીઓ અને ખેડૂતો સાથે પરામર્શ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને ફેડરેશનના એક મત મુજબ સુગર, સહકારી બેંકો અને દૂધ સંઘોમાં ગુજરાત સફળ છે .


નોંધનીય છે કે સહકાર મંત્રાલયે પ્રાકૃતિક ખેતી પર ખાસ ફોકસ કર્યું છે. કારણ કે જે સામાન્ય ખેતીમાં ખર્ચ વધે છે તે પ્રાકૃતિક ખેતીમાં ઘટી જાય છે. અને ઉત્પાદન ઓર્ગેનિક હોવાથી વિશ્વના બજારમાં પ્રાકૃતિક ઉત્પાદનની માંગ વધે છે. જેનાથી ખેડૂતની આવક બમણી થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે, ગ્રીન ઇન્ડીયા તરફ ગતિશીલ બનવું, આરોગ્ય સુખાકારી હેલ્થી ઇન્ડીયા વિઝન તરફ આગળ વધવું જેવા ધ્યેય નક્કી કરાયા છે. ભૌગોલિક રીતે જોઈએ તો ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો અને ખેડૂતો પાસે જમીનનો મોટો વિસ્તાર છે. તેનો યોગ્ય ઉપયોગ થાય તેના માટે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સતત પ્રયત્નશીલ છે.


આમ, પ્રાકૃતિક બાગાયત ખેતીથી ખેડૂતની આવક ડબલ કરવાના લક્ષ્ય તરફ આગળ વધવામાં દૂધ સાગર ડેરી એક સફળ પ્રયોગ કરવા તરફ આગળ વધી રહી છે. ડેરી દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડૂતોને બિયારણ પણ ડેરી પૂરું પાડશે. ખેડૂતો સાથે Mou કરીને ખેડૂતો પાસે પ્રાકૃતિક બાગાયત ખેતી કરાવશે. અને ડેરીના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા પણ દેખરેખ રખાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube