જિંદગીથી કંટાળીને આત્મહત્યાના વિચાર કરતા લોકોએ અહી એકવાર મુલાકાત કરવાની જરૂર છે
કોરોનાની પરિસ્થિતિઓમાં પ્રસરી રહેલા અંધકારમાથી અજવાળાની કિરણો જાગે તે હેતુસર માનસિક હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા દીવા તૈયાર કરવામાં આવી રહ્યા છે
ઝી મીડિયા/બ્યૂરો :“મળી છે ઘણી માનસિક વ્યથાઓ છતા પણ ન અમે અંધકાર પાથરીએ... અધરા છે સવાલ અંધકારના.. જવાબમાં અમે તો અજવાશ પાથરીએ..” ઉક્ત પંક્તિઓને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે અમદાવાદમાં આવેલ માનસિક રોગની હોસ્પિટલના દર્દીઓ. કોરોના મહામારીમાં સર્વત્ર પથરાયેલ અંધકારમાંથી અજવાળા તરફ લઇ જવા હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા દિવાળી માટે 30 હજાર દીવાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ દીવાઓ તૈયાર કરતા માનસિક રોગના દર્દી સતિષની કહાની દિલચસ્પ છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના 23 વર્ષીય સતીષને 2016માં મગજની તકલીફ ઉભી થઇ. તેઓને અવનવા અવાજો સંભાળવવા લાગ્યા તેની સાથે તેમને જમવાનું ભાવે નહિ, પાણી પીવાનું ગમે નહિ, ચાલવાની ઇચ્છા થાય નહિ, ઉંઘ આવે નહિ. માનસિક રીતે સતત તણાવગ્રસ્ત રહેતા. કોઇપણ જાતના કામમાં મન લાગતું નહિ. પરિસ્થિતિ વણસતા પરિવારજનો અમદાવાદ ખાતે આવેલી માનસિક રોગની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા. માનસિક રોગની હોસ્પિટલમાં 2 વર્ષ તેમની સારવાર ચાલી. સતત 2 વર્ષ ચાલેલી સારવારના કારણે સતિષની વર્તણૂક સામાન્ય બનવા લાગી. તે માનસિક રીતે સ્વસ્થ થવા લાગ્યો. આજે સમય એવો આવ્યો છે કે સતિષ માનસિક રોગમાંથી બહાર આવી મહદઅંશે સાજો થઇ કવિ/લેખક બન્યો છે. આજે સતિષ સાંપ્રત સમસ્યાઓ, મનોસ્થિતિ, તત્વજ્ઞાન ઉપર સરસ લેખ અને કવિતાઓ છે.
માનસિક રીતે સ્વસ્થ થતા તેણે હોસ્પિટલના તબીબોને રોજગારી અર્થે પૂછ્યુ. મેન્ટલ હોસ્પિટલના ઓક્યુપેશનલ વિભાગના વર્કશોપમાં તેને રોજગારી પણ મળી. છેલ્લા 1 વર્ષથી આ વિભાગમાં સતીષ ડે કેર તરીકેના કર્મચારી બની વિવિધ પ્રવૃતિઓમાં પોતાનું યોગદાન આપે છે. દિવસમાં 7 થી 8 કલાક અથાગ મહેનત કરીને રોજગારી રળે છે.
આ વિભાગમાં સતિષે બોકસ, ફાઇલ, પગલુછણિયા, શેતરંજી, રૂમાલ બનાવવા જેવા વિવિધ કામ શીખ્યા. વિવિધ તહેવાર આવે ત્યારે દીવા બનાવીને રંગરોગાન કરીને તેમા રુચિ વધવા લાગી. જેથી ખંતપૂર્વક કામ કરતા નિયમિત મહેનતાણુ પણ મળવા લાગ્યું. જેથી તેમના પરિવારમાં સતિષની મહેનત મદદરૂપ બની.
માનસિક આરોગ્યની હોસ્પિટલના ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વિભાગના ડૉ. સુનિતા મહેરિયા કહે છે કે, અમારે ત્યાં દર્દી માનસિક અસ્થિરતા સાથે આવે છે. તેની સારવાર કર્યા બાદ તે કામ કરવા યોગ્ય થવા લાગે, મગજથી સ્થિર થતો જણાય ત્યારે તેને ઓક્યુપેશનલ વિભાગમાં તેમની કુશળતા મુજબ વિવિધ કામ આપવામાં આવે છે. જે કારણોસર કંઇક પ્રવૃતિઓ કરીને તેઓ આત્મનિર્ભર બની શકે. અમારી હોસ્પિટલનો ઓક્યુપેશનલ વિભાગ 1978 થી કાર્યરત છે. જેમાં દર્દીઓમાં રહેલી સામાન્ય કુશળતા આધારિત પ્રવૃતિઓ કારાવવામાં આવે છે. માનસિક બીમારીમાં પ્રાથમિક તબક્કે દર્દી ગંભીર અવસ્થામાં હોય છે. સારા-ખોટાની ઓળખ કરવા, પોતાને ગમતુ કામ કરવા સક્ષમ હોતા નથી. સારવાર બાદ થોડા સ્થિર થવા લાગે ત્યારે તેમને વોકેશન પ્રવૃતિઓમાં કાર્યરત કરાવવામાં આવે છે. મનોરોગ નિષ્ણાંત, ઇન્સ્ટ્રક્ટર, મેડિકલ ઓફીસરની ટીમ દ્વારા આ કામગીરી કરાવવામાં આવે છે.
આ વિભાગમાં દર્દીઓની માનસિક સ્થિતિ અને કાર્યપધ્ધતિને ધ્યાનમાં રાખીને 30 જેટલા વિવિધ ટ્રેડ તૈયાર કરવામાં આવ્યા છે. માનસિક બીમારીમાંથી થોડો સુધારો આવ્યો હોય તેવા દર્દીઓને આ પ્રકારના ટ્રેડમાં તેમની સ્કીલ આધારિત કામ આપવામાં આવે છે. આ કામ થકી તેઓ સતત કામમાં વ્યસ્ત રહીને વિચારો પર પણ કાબુ મેળવી શકે છે. સાથે સાથે રોજગારી પણ રળી શકે છે. રાઇટ ટુ રીહેબિલીટેશન અને રાઇટ ટુ એમ્પલોયમેન્ટ અંતર્ગત અહીના દર્દીને વોકેશનલ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.
કોરોનાની પરિસ્થિતિઓમાં પ્રસરી રહેલા અંધકારમાથી અજવાળાની કિરણો જાગે તે હેતુસર હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા દીવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમાજમાં સહકાર અને સ્વીકાર બંને વસ્તુઓ મળી રહે તે હેતુથી અહીના દર્દીઓ દ્વારા દીવા બનાવે છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ, ખાનગી કંપની દ્વારા આ હોસ્પિટલને દીવાઓના ઓર્ડર મળ્યા છે.