અમદાવાદઃ જાન્યુઆરી 2019થી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થશે. મેટ્રોનો પહેલા રુટ વસ્ત્રાલથી એપરલ પાર્કનો હશે. જેનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થઇ જશે. વાસણાથી સાબરમતી રુટનું કામ પણ ડિસેમ્બરમાં પૂરુ થઇ જશે. મેટ્રો પ્રોજેક્ટ હેઠળ કાલુપુર સ્ટેશનમાં ત્રણ ટ્રેનનો સમન્વય થશે. જે માટે કાલુપુરમાં ત્રણ લેયરનું સ્ટેશન બનશે. મુસાફરો મેટ્રોમાંથી ઉતરી બુલેટ ટ્રેનમાં મુંબઇ જવામાં સરળતા રહે તે પ્રમાણેની સુવિધા કરવામાં આવશે. ત્રણ લેયરમાંથી અલગ-અલગ લેયર પર મેટ્રો અને બુલેટ ટ્રેન દોડશે જ્યારે અન્ય લેયર પર IRCTCની ટ્રેન દોડશે. જે માટે મલ્ટિપલ ઉપયોગ માટે આધુનિક સ્ટેશન બનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધુનિક ડિઝાઇન સાથે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. કોટ વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ ટ્રેક બનાવવામાં આવશે. જર્જરિત મકાનોની સંખ્યા વધારે હોવાથી કાળજી લેવામાં પણ આવશે. પ્રોજેક્ટ બાદ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 7 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ રુટ બનશે. મેટ્રો પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં 34 મેટ્રો સ્ટેશન બનશે જેમાંથી 4 સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ હશે. અમદાવાદનો મેટ્રો પ્રોજેક્ટ 10,700 કરોડનો છે. 


અમદાવાદના સરસપુર વિસ્તારમાં ચાલી રહેલા મેટ્રોના કામકાજનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાઇટ પર પહોંચ્યા હતા. વિજય રૂપાણી સાથે અમદાવાદના મેયર અને કમિશનર પણ ઉપસ્થિત રહ્યાં હતા. સરસપુર વિસ્તારમાં આવેલ સાઇટ પર પહોંચી મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. મેટ્રો પ્રોજેક્ટમાં 25 મીટર નીચે ટનલ બનાવવામાં આવી રહી છે. જેનું નિરીક્ષણ CM સહિત અમદાવાદના મેયર, કમિશનર અને અન્ય અધિકારીઓ કર્યું હતું. સમગ્ર કામગીરી અંગે CMએ મેટ્રોના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.