Junagadh Video : શનિવારે જુનાગઢમાં આવેલા પૂરે ભારે તબાહી સર્જી છે. તેના વીડિયો જ તેના પુરાવા છે. પાણીના ધસમસતા પ્રવાહ જુનાગઢની ગલીઓમાં જે રીતે વહ્યા હતા, તે જોતા આખું જુનાગઢ ડૂબી જશે તેવુ લાગતુ હતું. સેંકડો લોકો જીવ બચાવવા મરણિયા પ્રયાસ કરી રહ્યા હતા. આવામાં એક વીડિયોએ સૌના રુંવાડા ઉભા કરી દીધા હતા. પરિવારની નજર સામે જ એક પિતા તણાયા હતા. ઘર સાવ છેટે હતું, પિતા માંડ માંડ ઘર સુધી પહોંચી ગયા હતા, અને થોડે દૂર જ પૂરના પાણી તેમને ખેંચીને લઈ ગયા હતા. પરંતું બે કલાક બાદ તેમને બચાવી લેવાયા હતા. ચમત્કારિક રીતે તેમનો બચાવ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ રાખે તેને કોણ ચાખે...આ કહેવત જૂનાગઢમાં રહેતા વિનોદભાઈ ટેકચંદાની સાથે કઈક આવું જ બન્યું છે. જૂનાગઢમા આવેલા ભયાનક પૂરમાં ભારે ખાના ખરાબી સર્જાઈ છે. જેમાં અનેક લોકોને સાક્ષાત યમરાજના દર્શન થયા હતા. તેમાં વિનોદભાઈ મોતને પણ હાથતાળી  આપીને પરત ફર્યા છે. જૂનાગઢના દુરવેશ નગર ખાતે રહેતા વિનોદભાઈ પોતાની દુકાનેથી ઘરે પરત ફરતા હતા, તે સમયે અચાનક શરૂ થયેલો વરસાદ તેઓ માટે મોટી મુસીબત લઈને આવ્યો હતો.


 



 


ઘરની સાવ નજીક પહોંચી ગયેલા વિનોદભાઈ ઘર પાસે પહોંચે એ પહેલા જ એકાએક કાળવા નદીના પ્રચંડ પૂરમાં તેઓ તણાઈ ગયા હતા. પૂરથી બચવા તેઓએ પાસે રહેલી ગાડીનો આશરો લીધો હતો. જોકે મોટર કાર પણ પાણીના પ્રચંડ પ્રવાહ સામે ઝીંક ઝીલી ન શકી અને ગાડી તણાવા લાગી હતી. આ સાથે વિનોદભાઈ પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. સતત બે કલાક સુધી તેઓ પાણીના પ્રવાહમાં એક ઝાડના સહારે ટકી રહ્યા અને બાદમાં આસપાસના લોકોએ તેઓએ વિનોદ ભાઈને બચાવી લીધા છે. તેઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. 


આ ઘટનાનો વીડિયો રુંવાડા ઉભા કરી દે તેવો હતો. જેમાં વીડિયોમાં 'એ બાપા વયા ગ્યા..' એવો અવાજ સતત સંભળાઈ રહ્યો હતો. પરંતુ વિનોદભાઈને બચાવવા માટે રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતું. તેમને સહીસલામત મુસીબતમાંથી ઉગાર્યા હતા. 


 



વિનોદભાઈએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં આપવીતી જણાવી હતી. 57 વર્ષીય વિનોદભાઈએ જણાવ્યું કે, હું દુકાનેથી બપોરે ઘરે જમવા માટે સાઈકલ લઈને આવતો હતો. પાણી વધવાથી પુલની ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. દીવાલ તૂટી ગયાનો મને ખ્યાલ નહોતો અને તેનું પાણી આવી રહ્યું હતું, કમર સુધી પાણી આવી ગયું હતું. મારી પાસે સાઈકલ હતી પરંતુ હું (તે લઈને) ચાલીને જ આવી રહ્યો હતો. પછી મેં સાઈકલ મૂકી દીધી. મારો જીવ બચાવવા મેં એક કાર પકડી હતી તે પણ તણાવા લાગી અને સાથે તેની સાથે હું પોતે પણ તણાવા લાગ્યો હતો. હું પાણીમાં તણાયો પછી મેં ખેતરમાં ઝાડવું પકડી લીધું અને માટીમાં પગ ખૂંપી દીધા હતા. હિંમત નહોતો હાર્યો સતત બચવાના પ્રયાસ કરી રહ્યો હતો. અહીંના જ લોકો હતા કે જેમણે ટ્રેનિંગ લીધી હોય તેવા 15-20 જણા હતા તેમણે મને પાણી ઓછું હતું ત્યાંથી બહાર કાઢ્યો હતો.


આ બાદ વિનોદભાઈને સહીસલામત ઘરે લાવવામાં આવ્યા હતા. જેથી તેમના પરિવારે અને તેઓએ ઈશ્વરનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે, ઈશ્વરે મને મોત બતાવીને નવુ જીવન આપ્યું. 


 



 


જુનાગઢ પોલીસની સરાહનીય કામગીરી 
જૂનાગઢમાં જળપ્રલય વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ગણેશનગરમાં બાળક અને ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કર્યું. જૂનાગઢ LCBએ જળ તાંડવ વચ્ચે રેસ્ક્યુ કર્યુ હતું. ઘરમાં પાણી ભરાતા બાળક અને મહિલાનું રેસ્ક્યુ કરાયું. તો જૂનાગઢમાં વંથલી પોલીસે મહિલાનું રેસ્ક્યૂ કર્યુ હતું. કમર સુધી ભરાયેલાં પાણીમાંથી મહિલાનું રેસ્ક્યૂ કરાયુ હતું. વાડલા ફાટક પાસે મહિલા ઘરમાં ફસાઈ હતી. તેઓ માતાજીની મૂર્તિ મૂકીને આવવા તૈયાર નહોતા, ત્યારે પોલીસે માતાજીની મૂર્તિ સાથે લઈને મહિલાનું રેસ્ક્યૂ કર્યું.