2 કરોડની લાંચના આરોપો બાદ પહેલીવાર જાહેરમાં બોલ્યા મંત્રી હરિભાઈ ચૌધરી
તાજેતરમાં જ સીબીઆઈના બે વડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું હતું. એક અધિકારી દ્વારા ફાઈલ કરાયેલ પિટીશનમા ઉલ્લેખ કરાયો છે કે, મોઈન કુરેશી કેસમાં હરિભાઈને 2 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. હાલ તેઓ કેન્દ્ર સરકારમાં કોલસા અને ખાણ-ખનીજ રાજ્યમંત્રી છે. તેઓ પીએમ મોદીના નજીકના હોવાનું માનવામાં આવે છે.
બનાસકાંઠા/ગુજરાત : બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું મોઈન કુરેશી કેસમાં 2 કરોડની લાંચ લેવાના મામલે નામ આવ્યા બાદ તેઓ આજે પ્રથમ વખત જાહેર મંચ પર આવ્યા હતા. તેમણે પોતાના પર લાગેલા તમામ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું. તેમજ આક્ષેપ સાબિત થાય તો રાજકારણ છોડી દેવાની વાત કરી હતી. બનાસકાંઠા જિલ્લાવાસીઓને શરમથી માથું ઝુકાવુ નહી પડે તેવું આશ્વાસન તેઓએ આપ્યું હતું.
બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી પર ૧૯ નવેમ્બરે મોઈન કુરેશી કૌભાંડમાં રૂપિયા બે કરોડની લાંચ લીધી હોવાનો આરોપ સીબીઆઇના અધિકારીએ પોતાના રિપોર્ટમાં કર્યો હતો. જેના પગલે કેન્દ્ર સરકાર અને ભાજપ સંગઠનમાં ભારે હલચલ મચી જવા પામી હતી. જે બાદ હરિભાઈ ચૌધરીનો સંપર્ક કરવા છતા કોઈ સંપર્ક થયો ન હતો અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાતો વહેતી થઇ હતી. ત્યારે આજે પાલનપુર તાલુકાના સામઢી ગામે પ્રાથમિક શાળાના નવા મકાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર મંચ પરથી પોતાના સામે લાગેલા આક્ષેપોને પાયાવિહોણા જણાવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, હું જે વ્યક્તિને ઓળખતો નથી જેમને કદી જોયા નથી તેવા વ્યક્તિએ મારા પર આક્ષેપ કર્યા છે. સરકારને પણ વિનંતી છું કે આ બાબતની ઊંડી તપાસ થાય અને જે કોઈ આરોપી હોય તેને સજા થાય. જો મારી પરના આરોપ સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ.
પોતાના પર આરોપ લાગ્યા બાદ હરિભાઈ ચૌધરી અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા હોવાની વાતો થઈ હતી. ત્યારે હરિભાઈએ આજે જાહેર મંચ ઉપરથી તારીખ 19 નવેમ્બરથી આજદિન સુધી પોતે ક્યાં હતા તેનો પણ ખુલાસો કર્યો હતો અને બનાસકાંઠા જિલ્લાવાસીઓને તેમના પ્રતિનિધિ દ્વારા માથું શરમથી ઝુકી જાય તેવું કોઈ કાર્ય નહીં થાય તેવું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 26 વર્ષથી મારા ઝભ્ભા ઉપર એક પણ ડાઘ લાગ્યો નથી. હું જિલ્લાના બધા જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીશ અને સમય આવે બધુ જ બહાર આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સીબીઆઈના બે વડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું હતું. એક અધિકારી દ્વારા ફાઈલ કરાયેલ પિટીશનમા ઉલ્લેખ કરાયો છે કે, મોઈન કુરેશી કેસમાં હરિભાઈને 2 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. હાલ તેઓ કેન્દ્ર સરકારમાં કોલસા અને ખાણ-ખનીજ રાજ્યમંત્રી છે. તેઓ પીએમ મોદીના નજીકના હોવાનું માનવામાં આવે છે.