વકફ બોર્ડના નામે 3 દુકાનો ખાલી કરાવવા મુદ્દે રાજકોટ પહોંચ્યા હર્ષ સંઘવી, સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી
વકફ બોર્ડના નામે 3 દુકાનો ખાલી કરાવાના વિવાદ વચ્ચે રાજકોટ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે અને દાણાપીઠમાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે 3 હિંદુ વેપારીઓનો સામાન બહાર ફેંકીને દુકાનો ખાલી કરાવાઈ હતી.
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં વક્ફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવાનો વિવાદ વકર્યો છે. ત્યારે વકફ બોર્ડના નામે 3 દુકાનો ખાલી કરાવાના વિવાદ વચ્ચે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા છે અને તેઓ સ્થળ મુલાકાત લેશે. રાજકોટ શહેરના દાણાપીઠ વિસ્તારમાં વેપારીઓને પોલીસે દુકાન પરત અપાવ્યા બાદ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વેપારીઓ સાથે દુકાન પાસે જ બેસીને મીટિંગ કરી હતી. 72 વર્ષીય વેપારી વિરેન્દ્ર કોટેચા પાસેથી હર્ષ સંઘવીએ વિગતો મેળવી હતી. હર્ષ સંઘવી દાણાપીઠ વિસ્તારમાં આવતા જ જય શ્રી રામના નારા લાગ્યા હતા.જૂના દાણાપીઠ વિસ્તારમાં નવાબ મસ્જિદના ટ્રસ્ટી સહિત 9 લોકોએ ગેરકાયદે ઘૂસીને દુકાનો ખાલી કરાવી હતી અને સામાન ફેંકી દીધો હતો. વર્ષોથી દાણાપીઠ વિસ્તારોમાં મોટાભાગના હિન્દુ વેપારીઓ દુકાન ધરાવે છે.
તમને જણાવી દઈએ કે રાજકોટમાં વક્ફ બોર્ડનાં નામે દાણાપીઠમાં ત્રણ દુકાનોનાં તાળા તોડી સામાન બહાર ફેંકવા મામલે એ ડિવિઝન પોલીસ કાર્યવાહી કરાઈ અને 9 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં નવાબ મસ્જિદ ટ્રસ્ટનાં ટ્રસ્ટી ફારુક મુસાણી પણ સામેલ છે. નવાબ મસ્જિદની 3 જેટલી દુકાનોનાં વેપારીઓની દુકાનનાં તાળા તોડી સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો, જે બાદ ભારે વિવાદ સર્જાયો હતો.
રાજકોટમાં વક્ફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવાનો વિવાદમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં આરોપીઓના ફોટો સાથે ગૃહ રાજ્યમંત્રી ટ્વીટ કરી લખ્યું છે કે, ખાલી કરાવેલી દુકાન ફરીથી ખુલી ગઇ છે અને ગેરકાયદે પ્રવૃત્તિથી લોકોને હેરાન થવા નહીં દઇએ, આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે'. આરોપ છે કે ફારૂક મુસાણીએ વકફ બોર્ડનાં નામે આ દુકાનો ખાલી કરાવી હતી.
ફારુક મુસાણી સહિત 9 વ્યક્તિઓની ધરપકડ કરાઈ
રાજકોટનાં દાણાપીઠ વિસ્તારમાં વક્ફ બોર્ડનાં નામે દાદાગીરીથી ત્રણ દુકાનોનાં તાળા તોડીને સામાન બહાર ફેંકી ખાલી કરાવવા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં નવાબ મસ્જિદ ટ્રસ્ટનાં ટ્રસ્ટી ફારુક મુસાણી પણ સામેલ છે.
વકફ બોર્ડનાં ડાયરેક્ટરની સ્પષ્ટતા
આ ઘટના બાદ વકફ બોર્ડનાં ડાયરેક્ટર આસિફ સલોતનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું, દુકાન ખાલી કરવાનો વકફ બોર્ડનો પત્ર છે તે સાચો છે. પરંતુ, નવાબ મસ્જિદનાં ટ્રસ્ટી ફારૂક મુસાણીએ પત્રનો ખોટો અર્થ કાઢ્યો. પત્રમાં નિયમ મુજબ ખાલી કરાવવાનો ઉલ્લેખ છે.
વકફ બોર્ડનાં નવા આદેશ બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે
ટ્રસ્ટીએ તાળા તોડી, સામાન રોડ પર ફેંકી દીધો તે અયોગ્ય છે. ભાડુંઆતને નોટિસ આપી પોલીસ બંદોબસ્ત સાથે રાખી દુકાન ખાલી કરાવવી જોઈએ. તેમણે કહ્યું કે, મિલકત ભાડુંઆતને પરત સોંપી દેવામાં આવી છે. મિલકત મુદ્દે વકફ બોર્ડનાં નવા આદેશ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.