બાયડનાં કોંગી ધારાસભ્યએ વેપારી પાસેથી 40 લાખની ખંડણી માંગી, ફરિયાદ દાખલ
માછીમારીનો ધંધો શાંતિથી ચલાવવો હોય તો 40 લાખ રૂપિયાની ખંડણી ચુકવવી પડશે તેવી માંગ કરતો ઓડિયો વેપારીએ પોલીસને સોંપ્યો
હિંમતનગર : હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્થાનિક ધારાસભ્યની વિરુદ્ધ જ ફરિયાદ નોંધાઇ છે. ધારાસભ્ય વિરુદ્ધ ખંડણીનાં આરોપોની ફરિયાદ નોંધાઇ છે. બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ માછીમારી કરનારા એક વેપારી પાસે 40 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે. વેપારીનો આરોપ છે કે તેણે હિંમત નગર તાલુકાનાં હડીયોલ ગામના ડેમમાં માછીમારીનો કોન્ટ્રાક્ટ લીધો હતો. જો કે બાયડનાં ધારાભ્યએ તેને ધમકી આપી હતી કે શાંતિથી માછીમારી કરવી હોય તો 40 લાખ રૂપિયા ખંડણી આપવી પડશે.
મોદી સરકાર ભારતને ઇસ્લામિક દેશ થવાથી બચાવે: હાઇકોર્ટના જજની ટીપ્પણી...
હસમુખભાઇ પટેલ દ્વારા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદની સાથે સાથે પુરાવા તરીકે વેપારીએ ધારાસભ્ય સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ સબમીટ કરાવી છે. ઘટનાની વિગતો અનુસાર હસમુખ પટેલ ફીશરીઝનો વેપાર કરે છે. વર્ષ 2017નાં વર્ષમાં વાત્રક ડેમનું ટેન્ડર સૌથી ઉંચા ભાવે ભર્યું હતું. જેથી માછીમારીનો ઇજારો તેમને મળ્યો હતો. જો કે તેઓ શાંતિથી વેપાર કરી શકે તે માટે 2017ની ચૂંટણીમાં બાયડ-માલપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇને આવેલા ધવલસિંહ ઝાલાએ 40 લાખની ખંડણીની માંગ કરી હતી.
LRD પેપરલીક કાંડ: જે પ્રેસમાં છપાયું ત્યાંથી જ ફૂટી ગયું હતું પેપર...
ધવલસિંહ ઝાલાએ અગાઉ ગામના લોકોને ઉશ્કેરીને માછીમારીનું કામ બંધ કરાવી દીધું હતુ. ત્યાર બાદ હસમુખ પટેલને ફોન કરીને જણાવ્યું હતું કે જો શાંતિથી કામ કરવું હોય તો 40 લાખ રૂપિયા આપવા પડશે. આ ઓડિયો ક્લિપ હાલ ફરિયાદીએ પોલીસને સોંપી છે. પોલીસ દ્વારા આ ઓડિયો ક્લિપ તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેમણે ACB પાસે જવા માટેની સલાહ આપી હતી. જો કે એસીબીએ કહ્યું કે, આ પૈસા વસુલવાનો આક્ષેપ છે જેથી ફોજદારી કેસ બને છે. તમારી પોલીસ ફરિયાદ દાખલ કરાવવી પડશે. જેથી આખરે હસમુખ ભાઇને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
ધારાસભ્યએ આરોપોને નકાર્યા
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને આ અંગે પુછવામાં આવતા તેણે જણાવ્યું કે, તે વ્યક્તિ ખોટી ફરિયાદો કરવા માટે ટેવાયેલો છે. અગાઉ પણ તેણે એક અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ટેન્ટરની શરતો અનુસાર ઇન્સ્ટોલમેન્ટ ભરેલા નહી હોવાથી સંકલન મીટિંગમાં પણ મે આ અંગે રજુઆત કરી હતી. અગાઉ તેના ટ્રેક્ટર પણ પકડાયા હતા. સ્થાનિક મંડળીનાં ગરીબ રોજમદારોનાં રોજગાર માટે હું પ્રયાસ કરી રહ્યો હતો. તેનું ટેન્ડર રદ્દ થયું છે જેથી ખોટી ફરિયાદો કરે છે.