ઝી બ્યૂરો, અમદાવાદ/સુરતઃ મહારાષ્ટ્રમાં MLC ની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ હડકંપ મચી ગયો છે. ફરી એકવાર ભાજપે મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષને હરાવીને મોટો ઝટકો આપ્યો છે. આ સ્થિતિની વચ્ચે મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ ઊથલપાથલ મચી ગઈ છે. એનું એક કારણ મહારાષ્ટ્રના શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે છે. ઝી 24 કલાકને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે 11 MLA સાથે ગાયબ થઈ ગયા છે, તેઓ હાલ સંપર્ક વિહોણા બન્યા છે. અત્યાર સુધીમાં કુલ 25થી વધુ ધારાસભ્યો સુરત પહોંચ્યા છે. શિવસેનાના વધુ ધારાસભ્યો પણ નારાજગીના કારણે સુરતમાં આવી રહ્યાં છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 



 


રાજકીય ઊથલપાથલના એંધાણને પગલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની આપાતકાલીન બેઠક બોલાવવાની ફરજ પડી છે. ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યો સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. ઉલ્લેખનીય છેકે, એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારથી નારાજ ચાલી રહ્યાં હોવાની વાત સામે આવી છે. એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે.


 



 


ઝી 24 કલાકને મળેલી એક્સકલુસિવ માહિતી મુજબ એકનાથ શિંદે સોમવાર સાંજથી સંપર્ક વિહોણા બન્યા છે. એવી પણ માહિતી સામે આવી રહી છેકે, તેઓ હાલ ગુજરાતમાં છે. એકનાથ શિંદે સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં હોવાની વાત પણ ચર્ચામાં છે. એટલું જ નહીં રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી પણ છેકે, એકનાથ શિંદેએ સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં પોતાના અન્ય ધારાસભ્યો સાથે એક મહત્ત્વની મિટિંગ પણ કરી છે. હવે આ મિટિંગ બાદ શિવસેનાનું આ મસમોટું જહાજ કઈ દિશામાં જાય છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.