અમદાવાદ : જાણીતી બેંક HDFC દ્વારા અમદાવાદમાં મોબાઇલ એટીએમની સેવા શરૂ કરવામાં આવી છે. લૉકડાઉન દરમિયાન ગ્રાહકોને સહાયરૂપ થવા માટે એચડીએફસી બેંકે સોમવારે અમદાવાદમાં મોબાઇલ ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ)ની  સેવા શરૂ કરી હતી. આ મોબાઇલ એટીએમની સેવાને પગલે લોકોએ રોકડ ઉપાડવા માટે પોતાના વિસ્તારની બહાર નીકળવાની જરૂર નહીં રહે. અમદાવાદ શહેર પહેલાં બેંકે આ પ્રકારની મોબાઇલ એટીએમની સેવા મુંબઈ, નવી દિલ્હી, અલ્હાબાદ, કોઇમ્બતુર, ચંડીગઢ, ચેન્નઈ, પૂણે, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં પણ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં સ્થાનિક મ્યુનિસિપલ સત્તાની સલાહ લઇને આ એટીએમને તૈનાત કરવાના સ્થળોને ઓળખી કાઢવામાં આવ્યાં હતાં. આ મોબાઇલ એટીએમ નિશ્ચિત સમયગાળા માટે પ્રત્યેક સ્થળે સંચાલન કરશે. આ સમયગાળા દરમિયાન મોબાઇલ એટીએમ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે 3-5 સ્ટોપને આવરી લેશે.આ ઉપરાંત સ્ટાફ અને ગ્રાહકોની સલામતી માટે ATM પાસે સોશિયલ ડીસ્ટન્સિંગ સહિતની તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી રહી છે. મોબાઇલ એટીએમ ખાતે સ્ટાફ અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા એટીએમ માટે કતાર લગાવતી અને સ્વચ્છતા જાળવતી વખતે સામાજિક અંતર જાળવવાના સંદર્ભમાં તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી રહી છે.


 એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગ હેડ થોમસન જૉસએ જણાવ્યું હતું કે, ‘આ કપરાં સમયમાં લોકોને #StayHome and #StaySafeનું સૂત્ર ચરિતાર્થ કરવામાં મદદરૂપ થવા અમે અમારી ભૂમિકા ભજવવા માંગીએ છીએ. અમારી મોબાઇલ એટીએમ સુવિધા અમારા ગ્રાહકો અને જનતાને સરળતાથી નાણાં ઉપાડવા તથા અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે, કારણ કે, કોવિડ-19ના પ્રસારને નાથવા અમે ચટ્ટાન બનીને ઊભા છીએ.’ 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube