અમદાવાદ: રાજ્યભરમાં કાતિલ ઠંડી વચ્ચે ભર ચોમાસા જેવા મોહાલ જામ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ બરબપોરે શહેરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પછી માવઠું થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યભરમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદથી સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. શહેરના પૂર્વના અનેક વિસ્તારમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ વરસ્યો છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સાથે ઠંડી પડી રહી છે, સવારથી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો ઘેરાયા છે. વાદળછાયા વાતાવરણ સાથે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવવાથી ઈસનપુરના આદિવાસી ભીલ સમાજના સમુહલગ્નોતસવમાં વરસતા વરસાદમાં ભોજનની થાળીઓ સાથે નાસભાગ મચી ગઈ હતી.


મળતી માહિતી મુજબ મણિનગર, ખોખરા, કાંકરીયા, ઈસનપુર વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડ્યો છે.  ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. સવારે અને રાત્રે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. આ તરફ હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 


હવામાન વિભાગની આગાહી બાદ સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદ, પંચમહાલ, ખેડા અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે  હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગઈકાલે મોડી રાત્રે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાવલી પંથકમાં ગતરાત્રીએ માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સાથે આજે સવારે પણ  સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. 


પંચમહાલ, આણંદ, સુરત, ભાવનગર અને વડોદરા જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે...  ડાંગર, મકાઈ, કપાસ સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતની હાલત હાલ કફોડી બની ગઈ છે. ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વાવણી કરી હતી. ત્યારે હવે માવઠાની મારે ખેડૂતોને પડતા પર પાટુ માર્યું છે. કમોસમી વરસાદને કારણે હાલ ઘણાં બધા પંથકોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે ભરશિયાળે પણ ચોમાસા જેવા ઘાટ જોવા મળી રહ્યાં છે.


રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડેલાં વરસાદ અને તેને કારણે થયેલી પાક નુકસાનની વાત કરીએ તો ખેડૂતોને ઘણું મોટું નુકસાન થયું છે. ખાસ કરીને રાજ્યના  પંચમહાલમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. કડકડતી ઠંડી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગાજવીજ સાથે પંચમહાલમાં વરસાદ થયો હતો. મકાઈ, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે.


સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ભરશિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો. અહીંના કીમ, કડોદરા, કુડસદ,સાંધિયેર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે અહીં ચોમાસાની જેમ ચારેય કોર પાણી ભરાયા હતાં. ઠંડા પવનના સુસવાટા સાથે વહેલી સવારેથી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ ઉભી થઈ છે. વરસાદને પગલે કીમ પંથકમાં મોડી રાત્રેથી વીજ પુરવઠો ખોરવાયો હતો.


આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે સવારથી વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાનની ભીતિ સેવી રહ્યાં છે.


વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. MGVCLએ સાવચેતીના ભાગરૂપે વીજપુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાનની પણ થઈ છે. બીજી તરફ રાજ્યના ભાવનગર જિલ્લામાં પણ વરસાદને કારણે ખેડૂતોને પાક નુકસાની થઈ છે. માવઠાની મારથી હાલ જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે.